New Delhi,તા.16
દેશમાં આવકવેરા રિટર્ન ફાઈલ નહી કરનાર પાસેથી પણ આઈટી વિભાગ વેરો વસુલી રહી છે. ખાસ કરીને આઈટી વિભાગે ડેટાની જે જાળ બીછાવી છે અને દરેક મોટા ખર્ચની માહિતી આવકવેરા વિભાગના સર્વેમાં પહોંચી જાય છે. તેના આધારે આ પ્રકારે મોટા ખર્ચ કરનાર પણ જેઓ આવકવેરા રિટર્ન ભરતા નથી અથવા તેમના રીટર્નમાં આ ખર્ચને પહોંચી શકે તેવી આવક દર્શાવતા નથી.
તેઓને આવકવેરા વિભાગ નોટીસ મોકલી તેમના આ ખર્ચ અંગે ખુલાસો કરવા કહે છે અને તેમના આ ખર્ચ સંબંધીત આવક અંગે ખુલાસા કરવા જણાવે છે. ખાસ કરીને પ્રોપર્ટી અને લકઝરીયસ ખરીદી આવકવેરાના નજર બહાર જતી નથી અને આ પ્રકારના ખર્ચના આધારે ટેક્ષ ડિમાન્ડ નોટીસથી છેલ્લા 20 માસમાં આવકવેરા વિભાગે રૂા.37000 કરોડ વસુલ કર્યા છે.
ખાસ કરીને ગોલ્ડ-જવેલરી-ખરીદી, લકઝરી હોલીડે ઉપરાંત જે મોંઘી ગણાતી મિલ્કતો જેમાં 2019-20ના સમયમાં પેમેન્ટ વધુ હોય તેના આધારે આ પ્રકારની કરચોરી ઝડપી લેવાઈ છે. આ ઉપરાંત અનેક આવક જે ટીડીએસ કપાયો હોય તેના ડેટા પણ આવકવેરા વિભાગને માટે મહત્વના પુરવાર થયા છે.
આવકવેરા વિભાગએ પણ રિટર્નનું સ્ક્રુટીની કર્યુ જે લોકોએ પોતે રીટર્નમાં ઝીરો ટેક્ષ જવાબદારી દર્શાવી હતી જેના બેન્ક ખાતામાં હાઈ વેલ્યુ ટ્રાન્ઝેકશન થયા હતા તેવી રૂા.1320 કરોડની કરચોરી ઝડપી લેવાઈ હતી.
ખાસ કરીને આ પ્રકારના લોકોની ખર્ચની પેટર્નના ડેટાનું સતત વિશ્લેષણ થાય છે પણ તેઓએ કાં તો તેમના આવકવેરા રિટર્ન જ ફાઈલ કર્યા હોતા નથી અથવા તો તે ખર્ચ તેના આવકવેરા રિટર્નમાં દર્શાવ્યા હોતા નથી અથવા તેવી આવક દર્શાવી હોતી નથી જે આ પ્રકારના ખર્ચ સાથે મેચ થતી હોઈ શકે છે.
આવકવેરા વિભાગ તેને જે ડેટા મળે છે તેનુ સતત વિશ્લેષણ કરતા રહે છે અને આ ઉપરાંત આવકવેરા વિભાગ તેની પાસે જે નોન ફાઈલર મોનીટરીંગ સીસ્ટમ છે તેનો ભરપુર ઉપયોગ કરે છે. આવકવેરા વિભાગને અલગ અલગ સ્ત્રોત પાસેથી જે ડેટા મળે છે તેનો ઉપયોગ થાય છે.
આ વર્ષે એપ્રિલથી નવેમ્બર દરમ્યાન સીધા કરવેરાની આવક 15.4% વધીને રૂા.12.10 લાખ કરોડ નોંધાઈ હતી. જેમાં કોર્પોરેટ ટેક્ષ રૂા.5.10 લાખ કરોડ અને નોન કોર્પોરેટ ટેક્ષ રૂા.6.61 લાખ કરોડ નોંધાયા છે.