Ahmedabad , તા.17
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય, તેમ જાહેરમાં મારામારીની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. ત્યારે આવો જ વધુ એક બનાવ અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના સિંગરવામાંથી સામે આવ્યો છે. જેમાં જમીનના ડખ્ખામાં ખુલ્લી તલવારો અને લાકડાના દંડા સાથે ટોળાએ રીતસરનો આતંક મચાવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સિંગરવાના ભુવલડી ગામમાં વડીલોપાર્જીત 8 વીઘા જમીનનો કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હતો. 1975થી ધીરુભાઈ અને અનિલભાઈ નામના બે ભાઈઓ ગણતીયા તરીકે આ જમીનના માલિક પોતે હોવાનો દાવો કરી રહ્યાં છે. ગઇકાલે મામલતદારના આદેશ બાદ બન્ને ભાઈઓ જમીનનો કબજો લેવા પહોંચ્યા હતા.
આ સમયે ગ્રામજનો આ જમીન ગૌચરની હોવાનું કહીને માથાકૂટ કરવા લાગ્યા હતા. આ સમયે જોતજોતામાં ગામમાંથી હાથમાં ખુલ્લી તલવારો અને લાકડીના દંડા લઈને ટોળું ધસી આવ્યું હતુ. બેકાબુ બનેલ તોફાની ટોળાએ જમીનદારના વાહનોમાં તોડફોડ કરવા સાથે મારામારી કરવા લાગ્યા હતા. જેથી જમીનદારની સાથે આવેલા લોકો પોતાના વાહન મૂકીને ભાગ્યા હતા.
આ હુમલામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની તેમજ 12 જેટલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. આ ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. હાલ તો પોલીસે જમીન માલિક પટેલ બંધુઓના નિવેદન નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.