Siberian,તા.18
ટાઇગર અને ટાઇગ્રેસની જબરદસ્ત લવસ્ટોરી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. વાત બોરિસ નામના વાઘ અને સ્વેત્લાયા નામની વાઘણની છે. રશિયાની સિખોતે-અલિન પર્વતમાળામાંથી 2012માં આ બન્ને અનાથ વાઘબાળોને ઉગારવામાં આવ્યાં હતાં અને એમને એક ઉછેર-કેન્દ્રમાં સાથે રાખવામાં આવ્યા હતા.
એ ઉદ્દેશ સાથે કે તેઓ 18 મહિનાના થશે ત્યારે એમને જંગલમાં છોડી દેવા. આખરે 2014માં બોરિસ અને સ્વેત્લાયાને એકબીજાથી ખૂબ દૂર જંગલમાં છોડવામાં આવ્યા. બન્નેને અલગ-અલગ જગ્યાએ છોડવાનું કારણ એ કે બન્ને પોતપોતાની જગ્યાએ વસ્તી વધારો કરે.
છોડતી વખતે આ બન્ને બચ્ચાઓના ગળામાં ટ્રેકિંગ ડિવાઇસ પહેરાવી દેવામાં આવ્યું હતું. જો કે બોરિસના મનમાં કંઇક અલગ જ પ્લાન હતો. સંવર્ધનકારોએ નોંધ્યું કે, બોરિસનું વર્તન અજીબ હતું. તે મૂવમેન્ટની અસામાન્ય પેટર્ન દેખાડી રહ્યો હતો.
વાઘ સામાન્ય રીતે પોતાની ટેરિટરીમાં જ ફરતા હોય છે, પણ બોરિસ સીધે સીધો ચાલ્યો જતો હતો. બોરિસ ત્રણ વર્ષ સુધી 200 કિ.મી. ચાલીને સ્વેત્લાયાને મળીને જ રહ્યો. એના 6 મહિના પછી તેમના પ્રેમની નિશાનીરૂપે બચ્ચાઓને જન્મ આપ્યા. વાઘ અને વાઘણની આવી લવસ્ટોરી ભાગ્યે જ જોવા મળી હશે.

