Jamnagar,તા.18
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં રહેતી એક પરિવારની સગીર વયની બાળાનું અપહરણ થયાનો બનાવ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, અને આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા મોડપર તેમજ રૂપામોરા ગામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાલુકામાં રહેતી એક સગીર વયની બાળાના અપહરણ સંદર્ભેની કરાયેલી ફરિયાદના અનુસંધાને આ પ્રકરણમાં સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભીને ભાણવડ પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ ગોજીયાને બાતમીના આધારે મોડપર ગામના રહીશ રજાક ઉર્ફે ટકો મામદ નાગલા અને ભાણવડ તાલુકાના રૂપામોરા ગામના હનીફ કારૂ કાંટેલીયા નામના બે શખ્સોને ઝડપી લઇ, બંને સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.એ. રાણા, કે.કે. મારુ, પી.જે. ખાંટ, એન.જે. વાળા તેમજ ભાણવડના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.