New Delhi,તા.૧૮
એનસીપી પ્રમુખ શરદ પવાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓની આ મુલાકાત સંસદ ભવન સ્થિત પીએમ ઓફિસમાં થઈ હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે. મળતી માહિતી મુજબ દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સાહિત્ય સંમેલન માટે આમંત્રણ પત્ર આપવા માટે શરદ પવાર પીએમ મોદીને મળ્યા હતા. શરદ પવાર આ સંમેલનના સ્વાગત પ્રમુખ છે. પીએમ મોદીને મળ્યા બાદ સંસદ ભવન સંકુલમાંથી બહાર આવતાં તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે તેમની બેઠક ખેડૂતોના મુદ્દા પર હતી.
તમને જણાવી દઈએ કે આ બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે હાલમાં જ પૂર્ણ થયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન બંને નેતાઓના નિવેદનોમાં તણાવ જોવા મળ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
શરદ પવારને વિપક્ષી છાવણી અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી અને રાષ્ટ્રીય સ્તરે ઈન્ડિયા એલાયન્સના મોટા નેતા માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાતને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. શરદ પવારની પાર્ટીએ પણ વન નેશન વન ઈલેક્શનનો વિરોધ કર્યો છે.