New Delhi તા.31
વિવાદાસ્પદ ટ્રેની IAS અધિકારી પૂજા ખેડકરને મોટો ઝટકો લાગ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આયોગે પૂજા ખેડકરનું IAS પદ છીનવી લીધું છે અને તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આયોગે ખુદ આ માહિતી આપી છે. આયોગે જણાવ્યું કે, આજે સિવિલ સર્વિસ પરીક્ષા-2022 (CSE-2022) માટે કામચલાઉ ભલામણ કરાયેલ ઉમેદવાર પૂજા મનોરમા દિલીપ ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરી દેવામાં આવી છે. આ સાથે જ તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ અને સિલેક્શન પર સ્થાયી રૂપે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
UPSCએ પહેલા જ કાર્યવાહીના સંકેત આપી દીધા હતા
UPSCએ એ વાતનો પહેલા જ સંકેત આપી દીધો હતો. UPSCનું કહેવું હતું કે, જો પૂજા ખેડકર પર લગાવવામાં આવેલા આરોપો સાચા સાબિત થશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. UPSCએ પણ પૂજા ખેડકરને આ અંગે કારણ જણાવો નોટિસ જારી કરી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે, કેમ પૂજા ખેડકરની સિવિલ સર્વિસ પરીક્ષા-2022ની ઉમેદવારીને રદ કરવામાં આવે?
UPSCએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે, પૂજા ખેડકરે તેનું નામ, તેના માતા-પિતાના નામ, તેની તસવીર, સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને નકલી ઓળખ કાર્ડ બનાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ખેડકરે ફ્રોડ કરીને પરીક્ષા આપી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે ખેડકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પૂજા ખેડકર પર આરોપ છે કે તેણે ઓબીસી હેઠળ અનામત મેળવવા માટે છેતરપિંડી કરી. સેવામાં તહેનાત થતા જ ખોટી માગણીઓ શરૂ કરી. તેની આવી હરકતો ધ્યાને લેવાયા બાદ ફાઈલ ખુલી છે, જેમાં તેણે ઘણા કારસ્તાન કર્યા હોવાનું સામે આવ્યું છે.