Rajkot,તા.19
રo૪ વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે શાકોત્સવ યોજેલ
આજે રાજકોટ ગુરુકુલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાકોત્સવ કર્યો. સંતોએ કથાવાર્તા તથા આશીર્વાદથી નવાજ્યા.
ભોજન બનાવતી વખતે સ્મરણ ભક્તિ રૂપી પ્રેમ ભેળવો. એવું ભોજન મન, બુદ્ધિ અને વિચારને સાત્વિક બનાવે છે એમ આજે શ્રીસ્વામિનારાયણ ગુરુકુલના અધ્યક્ષ પૂજ્ય ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતું.
સ્વાદ અને સુગંધની સોડમ સંગાથે બનતો ભગવત પ્રસાદનો આસ્વાદ કંઈક અનેરો હોય છે. એ આસ્વાદ ૨૦૪ વર્ષ પહેલા સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના લોયા ગામે સંવત ૧૮૭૭ સને ૧૮૨૧ ની સાલમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે રીંગણાનું શાક બનાવીને સંતો ભકતોને જાતે પીરસીને જમાડેલ.
જમવું અને જમાડવું એ ભારતીય સંસ્કૃતિ છે પરંતુ જીવના સાચા સંગાથી સત્સંગીઓની સંગાથે ભોજન આરોગવાની ભગવાન શ્રી સ્વામિનારાયણની સંસ્કૃતિ કંઈક અનોખી જ છે. ભક્તોની સેવા, શ્રમ અને ભગવાન અને સંતોની દ્રષ્ટિથી સ્વાદિષ્ટ બનેલ પ્રસાદરૂપ શાકોત્સવની લ્હાણી તથા પવિત્ર સંતોના મુખે કથાવાર્તાનો લાભ રાજકોટ ગુરુકુલ અને તેની શાખાઓમાં અભ્યાસ કરેલ, રાજકોટમાં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ માણેલ. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ગુરૂવર્યશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંતસ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ નવાજી શુભાશીર્વાદ આપેલ.
શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર આજના શાકોત્સવની વિશિષ્ટતા એ હતી કે પ૦૦૦ વ્યક્તિઓ માટે ૩૦૦ કિલો ઘી, ૨૦૦ કિલો સીંગતેલ , ૫૦૦ કિલો રીંગણા, ૩૦૦ કિલો ટમેટાની ગ્રેવી, ૧૫૦ કિલો લોટના અડદિયાનો લસકો, ખીચડી, કઢી, રાયતા મરચા વગેરે સમારનારા, બનાવનારા, પીરસનારા અને જમનારા બધાજ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ હતા. શ્રી ભક્તિ મહિલા મંડળના બહેનોએ ૪૦૦ કિલો બાજરાના લોટના રોટલા કીર્તનભક્તિ સાથે બનાવેલ.
આ પ્રસંગે જૂનાગઢ ગુરુકુલના મહંત શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, રતનપરથી શ્રી નારાયણપ્રસાદાસજી સ્વામી, સુરતથી શ્રી પ્રભુસ્વામી, અમેરિકા ન્યુજર્સી થી શ્રી ભગવત સ્વામી, તેમજ કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, જ્ઞાનજીવનદાસજી સ્વામી, શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી , શ્રી ચૈતન્ય સ્વામી, મંગલ સ્વામી વગેરે સંતો, શ્રી નીલકંઠ ધામ પોઈચાથી પાર્ષદ અર્જુન ભગત તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.