New Delhi,તા.૨૦
દેશમાં અમીરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. એનારોક ગ્રૂપના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર દેશમાં અત્યારે હાઈ નેટ વર્થ વ્યક્તિઓની સંખ્યા ૮.૫ લાખથી વધુ છે. વર્ષ ૨૦૨૭ સુધીમાં તેમની સંખ્યા બમણી થઈને ૧૬.૫ લાખ થવાની ધારણા છે. ખાસ વાત એ છે કે આ કરોડપતિઓમાંથી ૨૦ ટકા ૪૦ વર્ષથી ઓછી ઉંમરના છે. ૫ કરોડથી વધુની લિક્વિડ એસેટ્સ ધરાવતા લોકોને સામાન્ય રીતે એચએનઆઇ કહેવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, અલ્ટ્રા હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ એટલે કે યુએચએનઆઇ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૬ ટકા વધીને ૧૩,૬૦૦ થઈ ગયા છે. વર્ષ ૨૦૨૮ સુધીમાં આ લોકોની સંખ્યામાં ૫૦%નો વધારો થશે.
ભારતમાં યુએચએનઆઇ લોકોની સંખ્યામાં વૃદ્ધિ પડોશી દેશ ચીન કરતાં ઘણી વધારે છે. ચીનમાં યુએચએનઆઇ વૃદ્ધિ દર વાર્ષિક ૨% છે.યુએચએઆઇની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં છઠ્ઠા અને એશિયામાં ત્રીજા ક્રમે છે. એશિયામાં ચીન અને જાપાન આપણાથી આગળ છે. ભારતમાં યુવા સાહસિકો, ટેક નિષ્ણાતો અને અનુભવી ઉદ્યોગપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
એનારોકના મતે ભારતમાં ઘણા ક્ષેત્રોમાં વેલ્થ ક્રિએશન ઝડપથી થઈ રહ્યું છે. નવી પેઢીના મોટા ભાગના કરોડપતિઓ ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપમાંથી ઉભરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ૩૦ ટકા એચએનઆઇ ટેકનોલોજી, ફિનટેક અને સ્ટાર્ટઅપ દ્વારા સૌથી વધુ કમાણી કરી રહ્યા છે. ૨૧ ટકા યુએચએનઆઇ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી છે. તેમને મેક ઈન ઈન્ડિયાથી ઘણો ફાયદો થઈ રહ્યો છે. ૧૫ ટકા ધનિકો લક્ઝરી અને કોમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા છે. તેમને વધતા શહેરીકરણનો લાભ મળી રહ્યો છે. તે જ સમયે, ૧૮% આવક શેર માર્કેટમાંથી આવી રહી છે.
રિપોર્ટ અનુસાર આ વર્ષે ૩૭ ટકા ભારતીય અમીરોએ લેમ્બોર્ગિની, પોર્શે અને રોલ્સ રોયસ જેવી કાર ખરીદી છે. મોટાભાગના અમીરો દેશ અને વિદેશમાં વૈભવી મિલકતો ખરીદે છે. આ વર્ષે દેશમાં લક્ઝરી હાઉસના વેચાણમાં ૨૮%નો વધારો થયો છે. ભારતમાં ૧૪ ટકા યુએચએનઆઇ લંડન, સિંગાપોર અને દુબઈ જેવા દેશોમાં પ્રોપર્ટી ધરાવે છે. આ લોકો વિદેશી સંપત્તિમાં સરેરાશ ૧૨ કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે. ભારતીય અમીરોએ તેમની ૩૨ ટકા સંપત્તિનું રોકાણ રિયલ એસ્ટેટમાં કર્યું છે. ૨૦ ટકા રોકાણ ખાનગી ઇક્વિટી, એઆઇ બ્લોકચેનમાં છે. ૨૫% યુએચએનઆઇ વિદેશમાં રહે છે. ૪૦% યુએચએનઆઇએ ફેમિલી ઑફિસ જાળવી રાખી છે.