મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં ડોલરના ભાવમાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળતાં રૂપિયો તળિયેથી ઉંચકાયો હતો. ડોલરના ભાવ રૂ.૮૫.૦૯ વાળા આજે સવારે રૂ.૮૫.૦૮ ખુલી ઉંચામાં ભાવ રૂ.૮૫.૧૧ની નવી ટોચ બતાવ્યા પછી ઝડપી તૂટી નીચામાં ભાવ રૂ.૮૪.૯૫ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૫.૦૨ રહ્યા હતા.
રૂપિયો ડોલર સામે વધી રૂ.૮૪.૯૫ થયા પછી શેરબજારમાં ફરી ગાબડાં પડયાના સમાચાર આવતાં રૂપિયો ફરી તૂટયો હતો અનવે દિવસના અંતે આખરે રૂ.૮૫.૦૨ બંધ રહ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતાં તેની અસર રૂપિયા પર પોઝીટીવ જોવા મળી હતી.
અમેરિકાએ વ્યાજ દર ઘટાડયા પછી બ્રિટન તથા જાપાનની સેન્ટ્રલ બેન્કોને વ્યાજના દર ઘટાડવાના બદલે જાળવી રાખ્યાના સમાચાર આવ્યા હતા.
દરમિયાન જાપાનમાં ફુગાવો વધ્યાના સમાચાર પણ આવ્યા હતા. અમેરિકાના ફુગાવાના આવનારા આંકડા પર બજારની નજર રહી હતી. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૮.૫૪ તથા નીચામાં ૧૦૮.૧૦ થઈ ૧૦૮.૨૨ રહ્યાના સમાચાર હતા. ગુરૂવારે ઉંચામાં આ ઈન્ડેક્સ ૧૦૮.૪૧ રહ્યો હતો. આમ ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સમાં ઉંચા મથાળેથી પીછેહટ જોવા મળી હતી અને તેની અસર પણ મુંબઈ કરન્સી બજારમાં દેખાઈ હતી.
મુંબઈ બજારમાં ચર્ચાતી વાતો મુજબ આજે આરબીઆઈની કહેવાતી સુચનાથી અમુક સરકારી બેન્કો ઉંચા ંમથાલે ડોલર વેંચી રહી હતી અને તેના પગલે પણ ડોલરમાં ટોચ પરથી પીછેહટ દેખાઈ હતી. હાલ તુરંત ડોલરના ભાવ નીચામાં રૂ.૮૪.૮૦ તથા ઉંચામાં રૂ.૮૫.૧૫ની વચ્ચે રહેવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ બે વર્ષની ટોચ પરથી આજે ઘટાડા પર રહ્યો હતો. દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ઝડપી ૧૫૦ પૈસા તૂટી ભાવ રૂ.૧૦૭ની અંદર ઉતરી નીચામાં ભાવ રૂ.૧૦૬.૧૬ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૬.૨૨ રહ્યા હતા.
યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૩૪ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૮૮.૦૨ થઈ છેલ્લે ભાવ રૂ.૮૮.૨૫ રહ્યા હતા. જોકે રૂપિયા સામે આજે જાપાનની કરન્સી ૦૧.૮ ટકા ઉંચકાઈ હતચી જ્યારે ચીનની કરન્સી ૦.૧૨ ટકા ઘટી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, ભારતનું ફોરેક્સ રિઝર્વ ૧.૯૮ અબજ ડોલર ઘટી ૬૫૨.૮૭ અબજ ડોલર થયાના સમાચાર આવતાં મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ રૂપિયા સામે ઘટયા પછી ફરી ઉંચકાયાનું જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ડોલરના જાણકારોના જણાવ્યા મુજબ રિઝર્વ બેન્ક તથા વિવિધ સરકારી બેન્કો રૂપિયાને સપોર્ટ આપવા તાજેતરમાં ડોલર વેંચતી રહેતાં તેના પગલે ફોરેક્સ રિઝર્વમાં પીછેહટ જોવા મળી છે.
ફોરેક્સ ભાવ
ડોલર | રૃ ૮૫.૦૨ |
પાઉન્ડ | રૃ ૧૦૬.૨૨ |
યુરો | રૃ ૮૮.૨૫ |
યેન | રૃ ૦.૫૪ |