બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે સંચાલક મંડળની શિક્ષકો સાથે બેઠક
શાળામાં શિક્ષકોને જૂથબંધી બંધ કરી દેવા સંચાલક મંડળની તાકિદ
Bagasara તા.૨૧
બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં છેલ્લાં ઘણા સમયથી શાળામાં અમુક વિદ્યાર્થીઓનો ત્રાસ વધી ગયો હોય તેમજ માથાભારે વિદ્યાર્થીઓ શિક્ષકોને ગાઠતા ન હોય તો અમુક શિક્ષકો માથાભારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા હોવાથી ફરીયાદ સંચાલક મંડળ સુધી પહોંચતા આજે સંચાલક મંડળ દ્વારા શિક્ષકો સાથે બેઠક યોજી કડક સૂચના આપવામાં આવી હતી. પાલિકા પ્રમુખ પ્રતિનિધી એ.વી.રીબડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન પ્રતિનિધી જયંતિભાઈ મકવાણા, સદસ્ય રાજુભાઈ ગીડાએ મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષકો સાથે બેઠક યોજી હતી. જેમાં જે વિદ્યાર્થીઓ શિક્ષકોને ગાઠતા નથી તેવા વિદ્યાર્થીઓનું શાળામાંથી નામ કમી કરવુ, શિક્ષિકાઓ અસલામતી અનુભવે છે તેઓને રક્ષણ આપવુ, તેમજ શિક્ષકોની અંદર જૂથવાદ હોય તેને બંધ કરી દેવા તાકિદ કરી હતી તેમજ જા સુપરવાઇઝર વિદ્યાર્થીઓને કાબુમાં રાખી શકે તેમ ન હોય તેઓને આ પદ પરથી દુર કરવાની પણ ચિમકી આપી હતી. અત્રે નોંધનીય છે કે ભુતકાળમાં બે શિક્ષકો પર શાળામાં જ હુમલા કરવામાં આવ્યા હતા છતાં કોઈ આગળ આવ્યુ નહોતુ.જેથી શાળાની કથળતી સ્થતિ વિશે સંચાલક મંડળે શિક્ષકોને કડક હાથે કામ લેવા અને શિક્ષણ પર ભાર મુકવા જણાવ્યું હતુ.