Ahmedabad,તા.૨૧
મહાકુંભ મેળો હિંદુ ધર્મનો સૌથી મોટો આધ્યાત્મિક કાર્યક્રમ છે, જે દર ૧૨ વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે. આ મેળો ૨૦૨૫માં યોજાવા જઈ રહ્યો છે અને જ્યોતિષની દૃષ્ટિએ તેને ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે. ગુજરાતથી મહાકુંભ જવા માંગતા ભક્તો માટે હાલમાં જ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે મહાકુંભ માટે ગુજરાતથી સ્પેશિયલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.
મહાકુંભ માટે પ્રયાગરાજની સ્પેશ્યલ ફ્લાઇટ શરુ કરાઈ છે. ગુજરાતથી વધી રહેલા શ્રદ્ધાળુઓની ડિમાન્ડને જોઈને આ નિર્ણય લેવાયો છે. ૧૨ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી દૈનિક ફ્લાઈટ શરૂ કરાઈ છે. સ્પેશ્યલ ફ્લાઇટ ૬૫૫ અમદાવાદથી સવારે ૮ઃ૧૦ કલાકે ઉપડશે, જે પ્રયાગરાજ ૯ઃ૫૫ કલાકે પહોંચશે. પ્રયાગરાજથી સાંજે ૪ઃ૩૦ એ ઉપડશે, જે અમદાવાદ ૬ઃ૪૫ કલાકે પહોંચશે. ફ્લાઈટનું ભાડુ ૫૯૮૪ રૂપિયાથી શરુ થશે.
મહાકુંભ મેળા ૨૦૨૫ને લઈને મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે ઉધના- બલિયા, વલસાડ-દાનપુર, વાપી-ગયા, વિશ્વામિત્રી-બલિયા, સાબરમતી-બનારસ, સાબરમતી બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ), ડો. આંબેડકરનગર-બલિયા અને ભાવનગર ટર્મિનસ-બનારસ સ્ટેશનો વચ્ચે સ્પેશિલ ભાડા પર મહાકુંભ મેળાની આઠ જોડી ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રેન ૭૨ ટ્રીપથી લાખો લોકોને મહાકુંભ મેળામાં પહોંચાડશે. ટ્રેન નંબર ૦૯૦૩૧, ૦૯૦૧૯, ૦૯૦૨૧, ૦૯૦૨૯, ૦૯૪૧૩, ૦૯૪૨૧, ૦૯૩૭૧ અને ૦૯૫૫૫ માટે બુકિંગ ૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ થી શરૂ થશે. તમામ પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે.
૧૨ વર્ષ બાદ યોજાનાર મહાકુંભ ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ૨૫ ડિસેમ્બરથી ગુજરાતથી સાધુ સંતો પ્રયાગરાજ જવા માટે રવાના થશે. ૫૦૦ થી વધુ મહામંડલેશ્વર અને સાધુઓ મહાકુંભના દર્શન કરશે. પ્રયાગરાજના એક ડોમમાં ૫૦૦ થી વધુ સાધુઓને ઉતારા આપશે. સાધુ સંતો માટે સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૩ જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થશે. સાધુ સંતોના આગમન સમયે ફૂલોથી વર્ષા કરવામાં આવશે.