Rajkot,તા,23
સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટ ગ્રામ્ય ૭૧- વિધાનસભા વિસ્તારના રાજકોટ, લોધિકા અને કોટડાસાંગાણી તાલુકામાં તા. ૨૧ અને ૨૨ ડિસેમ્બરના રોજ અંદાજિત રૂ. ૩૨૪૭.૨૬ લાખના કુલ ૬૪ કી.મીના રસ્તાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આજરોજ ત્રંબા ખાતે ખાતમૂહુર્ત પ્રસંગે મંત્રીશ્રી ભાનુબેને જણાવ્યું હતું કે, જન જનના સર્વાંગી વિકાસ સાથે તેમના રોજીંદા જીવનને સરળ અને સુવિધાથી સજ્જ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વિકાસકાર્યોનો અવિરત પ્રવાહ જેમ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે, એ જ રીતે રાજકોટમાં વિકાસકાર્યોનો પ્રવાહ પણ દિનપ્રતિદિન વેગ પકડી રહ્યો છે. આંતરમાળખાકીય સુવિધાઓનું દૃઢીકરણ એ વિકાસની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે આ વિકાસકાર્યોના નિર્માણથી સ્થાનિક વિસ્તારના નાગરિકોની માળખાકીય સુવિધાઓમાં વધારો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ રાજકોટ તાલુકાના ત્રંબા ખાતે અંદાજે રૂ. ૨૨૮.૩૩ લાખના ખર્ચે ત્રંબા થી વડાળી સુધીનો ૫.૭૦ કીમી. લંબાઈ ધરાવતો, રૂ.૧૭૫.૮૦ લાખના ખર્ચે નેશનલ હાઈવે થી અણીયારા પાડાસણ સુધીનો ૩ કી.મી.નો રોડ તથા સરધાર ખાતે અંદાજે રૂ. ૬૫૩.૧૩ લાખના ખર્ચે નેશનલ હાઈવે થી સરધાર-હરીપર-બાડપર- હોડથલી -દડવા સુધીના ૧૪ કિમીના રસ્તાના ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
તા. ૨૧ ડિસેમ્બરના રોજ લોધિકા તાલુકા ખાતે અંદાજે રૂ. પાંચ કરોડના ખર્ચે કાંગાશીયાળી ઢોલરા વીરવા ખાંભા માખાવડ રોડ, અંદાજે રૂ. ૨.૩૦ કરોડના ખર્ચે સ્ટેટ હાઈવે થી પીપળિયા પાળ થી શાપર સુધીના રોડ, અંદાજે રૂ. ૯૦ લાખના ખર્ચે સ્ટેટ હાઇવે થી ખીરસરા થી પ્રકૃતિ ફાર્મને જોડતો અંદાજે ૨/૦૦ કી.મી.લંબાઈ અને ૩.૭૫ મીટર પહોળાઇનો રસ્તો, રૂ. ૩. ૪૦૦ લાખના ખર્ચે સ્ટેટ હાઇવે થી દેવગામ અભેપર સુધી ૮ કી.મી. લંબાઈ, ૩.૭૫ મીટર પહોળાઈનો રોડ અને આશરે ૩.૨૫૦ લાખ નેશનલ હાઈવે થી વાગુદડ સુધી ૫ કી.મી. લંબાઈ ૩.૭૫ મીટર પહોળાઇ ધરાવતો રોડ અને કોટડા સાંગાણી તાલુકામાં અંદાજે રૂ. ૭.૪૨ કરોડના ખર્ચે નવીમેંગણી-થોરડી-ચાપાબેડા-કાલંભડી-નૌઘણચોરા- અનીડા(વાછરા) સુધીના રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, અગ્રણી શ્રી મનહરભાઈ બાબરીયા, ત્રંબાના માજી સરપંચ શ્રી મૂળજીભાઈ ખૂંટ, મામલતદાર શ્રી કે.એચ.મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ચેતનભાઇ પાણ, સરધારના સરપંચ શ્રી પીન્ટુભાઇ ઢાંકેચા, લોધિકા તથા કોટડાસાંગાણીના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.