Rajkot, તા. 23
રાજકોટ મહાનગરમાં નવા બિલ્ડીંગ સહિતના બાંધકામોના પ્લાન અને કમ્પલીશનની પ્રક્રિયા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સ્થગિત જેવી હાલતમાં આવી ગયાની મોટા પાયે ફરિયાદો ગાંધીનગર સુધી કરવામાં આવી હતી. તે બાદ સરકારે નિયમથી બહાર ફલાવર બેડ સાથેના બિલ્ડીંગને કોઇ ખાસ રાહત આપીને બીયુ આપવા ઇન્કાર કરતા ડેવલપર્સને કોઇ રાહત મળી નથી.
આ સંજોગોમાં છેલ્લા થોડા મહિનાથી નવા બિલ્ડીંગમાં પાર્ટ કમ્પલીશન લેવાના રસ્તા વધુ ખુલ્યા છે. છેલ્લા સમયમાં ઘણા બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોર સુધી તૈયાર થઇ ગયેલા શોરૂમ અને દુકાનોના પાર્ટ કમ્પલીશન ઇસ્યુ થઇ રહ્યા છે.
આમ તો જે રીતે આટલા વર્ષો સુધી પ્લાનમાં ન દર્શાવેલા ફલાવર બેડ સાથેના બિલ્ડીંગને બીયુ આપવાની પરંપરા ચાલુ હતી. પરંતુ નિયમમાં તેનો ઉલ્લેખ ન હતો. આથી પૂર્વ કમિશ્નરે સરકાર પાસે અભિપ્રાય માંગી લીધો હતો. તેનો અભિપ્રાય નકારાત્મક આવતા આ હાલત યથાવત છે.
તો બીજી તરફ પાર્ટ કમ્પલીશન માટે પણ જીડીસીઆરમાં કોઇ સ્પષ્ટ નિયમ ન હોવાથી અધિકારીઓ જરૂરીયાત અને ચકાસણીના આધારે આ પરમીશન આપે છે. આથી હાલની સ્થિતિમાં આવા પાર્ટ કમ્પલીશનની ડિમાન્ડ વધે તેમ છે.
કોઇ પણ બિલ્ડીંગનો પ્લાન મૂકાઇ અને સમયસર પ્રોજેકટ શરૂ કરવામાં ન આવે તો બે વખત પ્લાન રીન્યુ કરવાની તક મળે છે. તે બાદ જુનો પ્લાન રદ્દ થાય છે અને નવેસરથી મૂકવો પડે છે. હવે પ્રોજેકટ શરૂ થયા બાદ પૂરો કરવામાં વાર લાગે અને મિલ્કતનું વેંચાણ ન થાય ત્યારે બિલ્ડર રસ્તા શોધે છે.
અનેક કેસમાં કોમર્શિયલ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફલોરની મિલ્કત પહેલા વેંચાતી હોય છે. આથી ઉપરના અન્ય માળનું બાંધકામ ચાલુ હોય અને ગ્રાઉન્ડ ફલોર બુક કરનાર આસામીને સમયસર દસ્તાવેજ કરાવવો હોય તો બિલ્ડીંગ યુઝ પરમીશન (કમ્પલીશન)ની જરૂર પડે છે. આથી જેટલો ભાગ તૈયાર થઇ ગયો હોય તેને ટીપી શાખા પાર્ટ કમ્પલીશન આપી શકે તેવો મત છે.
આ અંગેના નિયમો અંગે જાણકારોએ કહ્યું કે, જીડીસીઆરમાં પાર્ટ કમ્પલીશન અંગે સ્પષ્ટ અને સીધી કોઇ જોગવાઇ નથી. વાસ્તવમાં ગ્રાઉન્ડ ફલોર કે પ્રથમ માળનું બાંધકામ પૂર્ણ થયું હોય અને ઉપરના ભાગે થતું બાંધકામ ગ્રાઉન્ડ ફલોર પર નુકસાન કરે તેમ ન હોય તેવું લાગે તો આટલી જગ્યા પુરતું પાર્ટ કમ્પલીશન આપી શકાય છે.
જોકે તે નિર્ણય અધિકારી પર આધારીત હોય છે. તો બીજી તરફ ફલાવર બેડ સાથેના કમ્પલીશન પણ ભુતકાળમાં આ જ રીતે અપાતા હતા. તો અધિકારીઓના સ્વવિવેક મુજબના નિર્ણયથી આવા કમ્પલીશન આપવા સામે અમુક લોકો પ્રશ્નો ઉઠાવે છે.
હવે જયારે બાંધકામ ઉદ્યોગ રાહતની આશામાં છે, 300થી વધુ કમ્પલીશન પેન્ડીંગ છે ત્યારે પાર્ટ કમ્પલીશનની પરંપરા હેઠળ વધુ ડેવલપર્સ કોમર્શિયલ બિલ્ડીંગમાં આ રીતે ટુકડે ટુકડે બીયુ લેવા આર્કિટેકટસની સલાહ લેવા લાગ્યા છે. દરમ્યાન દુકાનો અને શોરૂમ ભાડે આપવાનો મોટો કોમર્શિયલ ટ્રેન્ડ વેસ્ટ ઝોનમાં ચાલે છે.
સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં પાર્ટ કમ્પલીશનના આધારે બહુ બીયુપીની ડિમાન્ડ આવતી નથી. આથી વેસ્ટ ઝોનમાં અડધા તૈયાર પ્રોજેકટ માટે આવા રસ્તા કાઢવા બિલ્ડર્સને સલાહ મળવા લાગી છે.