Jamnagar,તા,23
જામનગર શહેર અને જિલ્લામાં મોસમે ફરીથી કરવટ બદલી છે, અને આજે વહેલી સવારે એકાએક ભેજનું પ્રમાણ 95 ટકા થઈ જતાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી, અને સૂર્યનારાયણના દર્શન મોડા થયા હોવાથી વહેલી સવારે જાકળ વર્ષાની વચ્ચે વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી.
ગઈકાલે રાત્રેથી જ વાતાવરણમાં ટાઢોડું જોવા મળ્યા બાદ ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે ઉતરીને વધુ એક ડિગ્રી નીચે ઉતર્યો હતો અને 12 ડીગ્રીએ સ્થિર થયો છે. પરંતુ ભેજનું પ્રમાણ 95 ટકા થઈ જતા ઝાકળવર્ષા થઈ હતી. વહેલી સવારે નીકળનારા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વહેલી સવારે લાઈટ ચાલુ રાખીને તેમજ વાઈપર ચલાવીને જ મોટા વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો. જોકે પવનની તીવ્રતામાં ઘટાડો થયો હોવાથી ધ્રુજારીમાં મહદ અંશે રાહત જોવા મળી હતી.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12.0 ડિગ્રી સેન્ટિગેડ જયારે મહત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાક 10 થી 15 કિ.મીની ઝડપે રહી હતી.