Jamnagar,તા.24
જામનગરની રહેવાસી રૂતિકા રૂષિરાજ જાનીએ અમદાવાદની ધ પાર્ક, રોયલ હોલીડેઝ પ્રા.લી પાસેથી 10 વર્ષ માટે વર્લ્ડ ટૂર પેકેજ ખરીદ્યું હતું. કંપનીના સેલ્સ પ્રતિનિધિએ સેવનસીઝન હોટલ, જામનગરમાં યોજાયેલી સેલ્સ મીટિંગમાં આકર્ષક ઓફર આપીને રૂતિકાબેનને પ્રભાવિત કર્યા હતા અને તેમણે 1,97,000 રૂપિયા ચૂકવી પેકેજ ખરીદ્યું હતું.
જોકે, ખરીદી કર્યા બાદ જ્યારે રૂતિકાબેન વાસ્તવમાં પ્રવાસ પર જવા માંગતા હતા, ત્યારે કંપનીએ હોટલ બુકિંગ અને એર ટિકિટની બાબતમાં વારંવાર ટાળાટૂલ કરી હતી. કંપનીએ જુદા જુદા ખોટા બહાના બતાવીને પેકેજ મુજબની સેવા આપવામાં નિષ્ફળ ગઈ હતી.
આથી નારાજ થઈને રૂતિકાબેને પોતાના વકીલ મારફતે કંપનીને નોટિસ આપી હતી. જોકે, કંપનીએ નોટીસનો કોઈ જવાબ ન આપતા રૂતિકાબેને ગ્રાહક સુરક્ષા ફોરમ, જામનગરમાં કેસ દાખલ કર્યો હતો. વકીલ સી.એચ.ઠાકર અને બિમલસિંહ ડી.ઝાલાએ કોર્ટમાં દલીલો કરી હતી કે કંપનીએ ગ્રાહક સાથે છેતરપિંડી કરી છે અને ગ્રાહક સુરક્ષા અધિનિયમનો ભંગ કર્યો છે.
ગ્રાહક ફોરમના અધ્યક્ષએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કંપનીને દોષિત ઠેરવી હતી. કોર્ટે કંપનીને ફરીયાદી રૂતિકાબેનને 1,97,000 રૂપિયા સાથે 6 ટકાના વ્યાજે ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ સાથે કોર્ટે કંપની પર દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
આ કેસમાં ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા આપવામાં આવેલ નિર્ણય એ ગ્રાહકો માટે રાહતના સમાચાર છે અને તેમને છેતરપિંડી સામે લડવા માટે પ્રેરણા આપશે. આ નિર્ણયથી અન્ય કંપનીઓને પણ ગ્રાહકો સાથે પ્રમાણિકતાથી વર્તવાની પ્રેરણા મળશે.