મુંબઇ કરન્સી બજારમાં આજં રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉછળતાં રૂપિયામાં નવું નીચું તળીયું દેખાયું હતું. શેર બજારમાં ફરી તેજી આવવા છતાં રૂપિયો નબળો પડતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂા. ૮૫.૦૩ વાળા આજે સવારે રૂા. ૮૪.૯૯ ખુલી નીચામાં ભાવ રૂા. ૮૪.૯૭ થયા પછી ભાવ ઉછળી ઉંચામાં રૂા. ૮૫ય૧૩ની નવી ટોચ બતાવી છેલ્લે બંધ ભાવ રૂા. ૮૫.૧૨ રહ્યા હતા.
બંધ ભાવના સંદર્ભમાં પણ રૂપિયાના ભાવમાં આજે નવું તળીયું નોંધાયું હતું. જ્યારે ડોલરના ભાવમાં તેજીનો નવો રેકોર્ડ સર્જાયો હતો. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ૧૦૭.૬૨થી ઝડપી વધી ઉંચામાં ૧૦૮.૧૭ થઇ ૧૦૮.૧૪ રહ્યાના સમાચાર મળ્યા હતા. આ પૂર્વે ડોલર ઇન્ડેક્સમાં છેલ્લા બાવન સપ્તાહની ટોચ ૧૦૮.૨૨ની નોંધાઇ હતી.
ભારતનું ફોરેક્સ રિઝર્વ ૧.૯૮ અબજ ડોલર ઘટી છ મહિનાના તળીયે ૬૫૨.૮૭ અબજ ડોલર નોંધાતા તેની અસર પણ આજે કરન્સી બજારમાં રૂપિયા પર નેગેટીવ દેખાઇ હતી. વિશ્વ બજારના સમાચાર મુજબ ડોલર સામે બ્રાઝીલની કરન્સી તૂટી જતાં તાજેતરમાં બ્રાઝીલની સરકારે પોતાની કરન્સીને બચાવવા ૧૭ અબજ ડોલરનું વેચાણ કરતાં ત્યાંનું ફોરેક્સ રિઝર્વ નોંધપાત્ર ઘટયાના નિર્દેશો મળ્યા હતા.
અમેરિકામાં ફુગાવાનો વૃદ્ધી દર તાજેતરમાં અપેક્ષાથી ઓછો આવતાં ત્યાં હવે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા ફરી વધ્યાના વાવડ મળ્યા હતા. દરમિયાન, કોમેડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશનના વૈશ્વિક સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક ડોલર ઇન્ડેક્સમાં તેજીવાળાએ પોઝીશન વધારી છે.
મુંબઇ બજારમાં રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૭૭ પૈસા વધી રૂા. ૧૦૭.૦૭ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોનાભાવ રૂપિયા સામે ૩૮ પૈસા વધી રૂા. ૮૮.૬૫ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૧૮ ટકા ઉંચકાઇ હતી ડોલર સામે ચીનની ઓફ્ફ શોર ભાવ આજે ઘટી ૭.૨૦ રહ્યા હતા.
ડોલર- રૂપીના ફોરવર્ડ પ્રિમિયમો આજે વધ્યા હતા. દરમિયાન, દિલ્હીથી મળેલા સમાચાર મુજબ સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર વધારી રૂા. ૮૫.૯૫ નક્કી કર્યા છે તથા આ નવા દર ૨૦મી ડિસેમ્બરથી અમલમાં આવ્યા છે. આના પગલે દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઇમ્પોર્ટ કોસ્ટ વધી જવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
ફોરેક્સ ભાવ
ડોલર | રૃ ૮૫.૧૨ |
પાઉન્ડ | રૃ ૧૦૭.૦૭ |
યુરો | રૃ ૮૮.૬૫ |
યેન | રૃ ૦.૫૪ |