Vadodara,તા.૨૫
વડોદરામાં વેરો ના ભરનાર સામે મનપા એ કડક કાર્યવાહી હાથ ધરી. મનપા વેરો ના ભરનારાની મિલકતો સીઝ કરશે. મહાનગર પાલિકાએ વેરા ભરવાની ઝોન વાઈઝ તારીખો જાહેર કરી. આ મુજબ ૨૦૨૪-૨૫ના મિલકત વેરાના બિલો આપવાનું ૨ ડિસેમ્બરથી ચાલુ થશે. જ્યારે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર ૧૬થી ૧૯માં છેલ્લી તારીખ ૧૬ જાન્યુઆરી જાહેર કરવામાં આવી છે. તેમજ પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર ૮થી ૧૨માં છેલ્લી તારીખ ૨૩ જાન્યુઆરી અને ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર ૧, ૨, ૩, ૭ અને ૧૩માં ૨૯ જાન્યુ. છેલ્લી તારીખ જાહેર કરી જ્યારે પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર ૪, ૫, ૬, ૧૪ અને ૧૫માં છેલ્લી તારીખ ૩ ફેબ્રુઆરી જાહેર કરી. અગાઉ જાન્યુઆરી મહિનામાં આ મામલે કડક વલણ અપનાવતા ૩૫૦થી વધારે કોમર્શિયલ મિલકત સીલ કરી હતી. એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે મનપાએ ૨૦૦૩થી અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૧૬૭ કરોડનો વેરો વસૂલવાનો બાકી છે. અને અત્યાર સુધીમાં મહાનગર પાલિકાને વેરાની વસૂલાત પેટે રૂ. ૩૧૧ કરોડની આવક થઈ છે. કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારના વેરાની વસૂલાત કરવા મનપાએ હવે કડક વલણ અપનાવ્યું છે. મનપાએ ઝોન વાઈસ તારીખ જાહેર કરી બાકી રહેલ વેરો ભરી દેવા અલ્ટીમેટમ આપ્યું છે. ચાલુ વર્ષે વેરા વસુલવા બજેટની આવકનો મનપાનો લક્ષ્યાંક રૂ. ૭૪૨ કરોડનો રાખ્યો છે. કોર્પોરેશન બાકી વેરો નહીં ભરનાર મિલકતદારો સામે કડક કાર્યવાહી કરશે. મનપા વેરા નહી ભરનારાના પાણી કનેક્શન અને મિલકત સીલ સુધીની પણ કાર્યવાહી કરી શકી છે.