Jamnagar તા26
જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં રહેતા એક બુઝુર્ગને ૧૦,૦૦૦ રૂપિયા હાથ ઉછીના આપવા ભારે પડ્યા છે. જેમણે આપેલી રકમ પરત માંગવા જતાં પૈસા લેનાર શખ્સે ઝઘડો કરી પૈસા આપ્યા ન હતા, ઉપરાંત માર મારી કાનમાંથી લોહી કાઢી નાખ્યા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કડીયાવાડ મોટી પીપળા શેરીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા કિશોરભાઈ બળવંતરાય વસાણી નામના ૬૪ વર્ષના બુઝુર્ગ, કે જેણે જામનગરમાં સરદાર નગર વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા અજીત જેન્તીભાઈ ચૌહાણને ૧૦,૦૦૦ રૂપિયા હાથ ઉછીના આપેલા હતા.
પાંચ મહિના પહેલાં આપેલી ૧૦,૦૦૦ ની રકમ ગઈકાલે કિશોરભાઈ પરત માંગવા ગયા હતા, દરમિયાન અજીત ચૌહાણ ઉસકેરાઈ ગયો હતો, અને બુઝુર્ગ સાથે ગાળા ગાળી કરી તેઓને માર માર્યો હતો. જેના કારણે તેમના ડાબા કાનમાં ઈજા થઈ હતી, અને લોહી નીકળી ગયા હતા.
ઉપરાંત ફરીથી પૈસા માંગવા આવશે તો જાનથી મારી નાખશે, તેવી ધમકી આપીને ભાગી છૂટયો હતો.
જેથી સૌપ્રથમ કિશોરભાઈ વસાણીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી હતી. ત્યારબાદ આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કિશોરભાઈ વસાણી ની ફરીયાદના આધારે અજીત જેન્તીભાઈ ચૌહાણ સામે હુમલા અંગેની ફરિયાદ નોધી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.