પોલીસે ખાનગી વેશ ધારણ કરી આરોપીને ઝડપી લીધો
Morbi તા.૨૬
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ પશ્ચિમ બંગાળ નાસી ગયો હોય જેથી મોરબી પોલીસે પશ્ચિમ બંગાળ સુધી તપાસ લંબાવી ખાનગી વેશ ધારણ કરી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ગત તા. ૨૮-૧૦ ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં કારખાનામાં રહીને કામ કરતા પરિવારની ૧૭ વર્ષની સગીરાને આરોપી લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હતો જે ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી હતી અને આરોપી પશ્ચિમ બંગાળના મેદનીપુર ખાતે હોવાની બાતમી મળી હતી જેથી પીએસઆઈ એ બી મિશ્રા અને જીતેનદાન ગઢવીની ટીમ તપાસ અર્થે પશ્ચિમ બંગાળ પહોંચી હતી
જ્યાં બે દિવસની જહેમતથી તેઓ ખાનગી વેશ અને મોટરસાયકલ પર ફરી ૨૦૦૦ કિલોમીટર દુર આરોપી અને ભોગ બનનારનું લોકેશન શોધી કાઢ્યું હતું અને લોકલ પોલીસની મદદથી આરોપી રણજીત મન્ના કલીપદા મન્ના ઘનશ્યામ મન્ના (ઉ.વ.૨૦) વાળાને ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે