Junagadhતા.૨૮
જુનાગઢ જિલ્લાની ઉબેણ નદી જુનાગઢ જિલ્લાથી શરૂ કરીને ઘેડ પંથક સુધી ફેલાયેલી છે. નદી તેની આસપાસ અંદાજે ૧૦૦ થી વધુ ગામડાઓને સ્પર્શે છે. પરંતુ હાલમાં આ નદીની હાલત એવી છે કે નદીનું પાણી નથી પીવા લાયક કે નથી ખેતીમાં ઉપયોગમાં લઈ શકાય તેવું. ઉબેણ નદી આસપાસની ફળદ્રુપ જમીન પણ હવે બિનઉપજાઉ થઈ રહી છે.
જેતપુર ડાઈગ કારખાના દ્વારા કેમિકલ યુક્ત પાણી ઉબેણ નદીમાં છોડવામાં આવે છે. લાખો લિટર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નદી આસપાસની ખેતીમાં ઉત્પાદન ઓછું થઈ ગયાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. પ્રદૂષિત પાણીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
આ મુદ્દે છેલ્લા ૧૨ વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ આજ સુધી આ મામલાનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ખેતીની જમીન અને લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે.
આ મામલે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા મેદાનમાં આવ્યા છે અને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સામે આક્ષેપ કર્યો છે કે પ્રદૂષણને અટકાવવા અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે. અધિકારીઓ માત્ર કાગળો ઉપર વાતો કરીને પ્રજાને ઉલ્લુ બનાવે છે. ફરિયાદ નિવારણ કાર્યકમમાં પણ આ સવાલને મૂકવામાં આવ્યો છે.
આમ, નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નદી સુકાતી જાય છે અને તેનું પાણી ઉપયોગમાં લેવા જેવું રહ્યું નથી. તો સરકાર તાત્કાલિક ઉકેલ લાવે તેવી માંગણી ઉઠી છે. ગઈકાલે ઝાલરસર ગામ ખાતે પંચાયતની ગ્રામસભામાં પણ આ અંગે ઉગ્ર વિરોધ થયો હતો.
ગ્રામસભાનો વિરોધ કરીને ઝાલણસર ગામમાં થતા કોઈપણ સરકારી કાર્યક્રમનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. દૂષિત પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે, પણ રાજકીય વગ ધરાવતા લોકો ગેરકાયદેસર સાડી ધોવાના ઘાટ બનાવી અને ઉબેણ નદીમાં પાણી છોડી રહ્યા છે, એવા આક્ષેપ કરવામાં આવ્યા.
નદીને દૂષિત થતા રોકવા શું કામગીરી? ઉબેણ નદી કોના વાંકે દૂષિત થઈ? જીપીસીબીના અધિકારીઓ કોને છાવરે છે? શું પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ ધારાસભ્યનો પડકાર સ્વીકારશે? ઉબેણ નદીનું પાણી પીશે જીપીસીબીના અધિકારીઓ અને તંત્ર? જો પાણી તમારા માટે પીવાલાયક ન હોય તો જનતા કેમ પીવે? છેલ્લા ૧૨-૧૨ વર્ષથી નદી દૂષિત છે, અધિકારીઓને કેમ દેખાતું નથી? આવું દૂષિત પાણી કેવી રીતે પીવું? જેતપુર ડાઈંગ ઉદ્યોગના લીધે સમસ્યા હોય તો સમાધાન શું?