New Delhi,તા.30
દેશભરનાં નાના-મોટા શહેરોમાં ટ્રાફીક જામની સમસ્યા તથા રાહદારીઓ માટે ચાલવાનું પણ મુશ્કેલ બન્યુ હોવાની વાસ્તવિકતા વચ્ચે કેન્દ્ર સરકારે નિયુકત કરેલી કમીટીએ જાહેર પરિવહન તથા રાહદારીઓને લક્ષ્યમાં રાખીને કેટલાંક મહત્વનાં સુચનો કર્યા હતા જેનો અમલ થવાના સંજોગોમાં શહેરોમાં સાયકલ તથા વોકીંગ ટ્રેક ફરજીયાત બનશે અને તેઓ પર અકસ્માતનું જોખમ થઈ જશે.
સાબરમતી રીવરફ્રન્ટ વિકાસ નિગમનાં ચેરમેન કેશવ વર્માના વડપણ હેઠળ કેન્દ્ર સરકારે હાઈપાવર કમીટીનું ગઠન કર્યું હતું. તેના દ્વારા સરકારને બીજો રીપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે તેમાં મેટ્રો ટ્રેન, સાયકલ સવારો, રાહદારીઓ માટે ખાસ સુચન કરવામાં આવ્યા છે. સરકારી તથા સાયકલ સવારોને પણ પરિવહનની વ્યાખ્યામાં સામેલ કરવા તથા તે માટે મોટર વ્હીકલ, એકટમાં સુધારા કરવાની ભલામણ કરવામાં આવી છે.
રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, માર્ગોની યોજના માત્ર કાર કે વાહનોને લક્ષ્યમાં રાખીને બનાવવાનાં બદલે સાયકલ સવાર કે રાહદારીઓની સુરક્ષા પર પણ ફોકસ રાખવુ જોઈએ 42 ટકા લોકો પગપાળા જતા હોય છે અને તેઓની સુરક્ષાને મહત્વ નથી અપાતું આ માટે ખાસ એકશન પ્લાન ઘડાવો જોઈએ. માર્ગોનાં આયોજન માટે ઓલ ઈન્ડીયા સીવીલ સર્વીસીઝનાં ધોરણે અખિલ ભારતીય નગર નિયોજન સેવાની રચના કરવામાં આવે.
રીપોર્ટમાં પંજાબનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જયાં નવા રોડમાં સાયકલ-વોકીંગ ટ્રેકની જોગવાઈ ફરજીયાત છે. હાઈપાવર કમીટીએ જાહેર પરિવહન અંતર્ગત 50 લાખથી વધુની વસતી ધરાવતા શહેરોમાં જ મેટ્રો ટ્રેન શરૂ કરવા સુચવ્યુ છે.
દેશના તમામ મોટા શહેરો માટે સ્વતંત્ર યુનિફાઈડ મેટ્રો ટ્રાન્સપોર્ટ ઓથોરીટી બનાવવા પણ ભલામણ કરવામાં આવી છે. ટ્રાફીક તથા વાહન વ્યવહાર મેનેજમેન્ટની સમગ્ર જવાબદારી ઓથોરીટીને સોંપવા કહેવામાં આવ્યુ છે.
2023 માં 35000 રાહદારીઓનો ભોગ
રાહદારીઓ પર ફોકસ રાખવા કમીટીનાં સૂચન વચ્ચે એવો આંકડાકીય રીપોર્ટ છે કે 2023 માં 35000 રાહદારીઓનો માર્ગ અકસ્માતોમાં ભોગ લેવાનો હતો.રસ્તા પર પગપાળા જતા 99 ટકા રાહદારીઓને અકસ્માતોનું જોખમ હોય છે. 2023 માં અકસ્માતોમાં ભોગ બનેલા લોકોમાં 20 ટક રાહદારીઓ હતા જેમાં 57 ટકાની ઉંમર 45 વર્ષથી નીચેની હતી.