Vadodara,તા.30
વડોદરા કોર્પોરેશન દ્વારા ચાલતા વિકાસના કામોમાં વિલંબ થવાને કારણે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ત્રણથી ચાર અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે સ્વર્ણિમની ગ્રાન્ટ હોય કે અન્ય સરકારની ગ્રાન્ટના કામોમાં વિલંબ થશે તો અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે નાણાકીય સમર્થન પણ ઝડપથી આપવા સૂચના આપી છે.
વડોદરા શહેરમાં ચાલતા વિકાસના કામોના રીવ્યુ માટે મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓની અવારનવાર બેઠક યોજી અધિકારીઓ પાસેથી સરકાર દ્વારા મળતી નાણાપંચ, સ્વર્ણિમ ગુજરાત, અમૃતમ યોજના હોય કે અન્ય ગ્રાન્ટના વિકાસના લોકહિતના કાર્યો અંગે જે પ્રગતિ થઈ હોય તેની માહિતી એક એક કામ પ્રમાણે માહિતી માંગવામાં આવતી હોય છે. તાજેતરમાં મળેલી બેઠક દરમિયાન લોકહિતના વોર્ડ, ઝોન કક્ષાએ પાણી ડ્રેનેજ વરસાદી ગટરના કામોમાં વિલંબ થતો હોય છે તેમ જણાઈ આવતા મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ કેટલાક અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે લોકહિતના કામોમાં વિલંબ થવો જોઈએ નહીં અને સમય મર્યાદામાં જ કામગીરી પૂર્ણ થવી જોઈએ અને તે પ્રમાણે કામગીરી નહીં થાય તો તમને જવાબદાર ગણીને તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે.
બેઠકમાં કેટલાક અધિકારીએ અન્ય વિભાગને કારણે કામગીરીમાં વિલંબ થતો હોવાનું જણાવતા તે વિભાગના અધિકારીઓને પણ સૂચના આપી હતી. સાથે-સાથે કમિશનરે ખાસ કરીને વિકાસના કામોમાં નાણાકીય સમર્થન આપવામાં વિલંબ થાય નહીં તે અંગે પણ સૂચના આપી હતી.