Rajkot તા.30
રાજકોટ સહિત ગુજરાતમાં ઠંડીનો સપાટો છે અને દિવસે પણ વાતાવરણ ટાઢુબોળ બની રહ્યુ છે. જો કે, કાલથી પાંચેક દિવસ તાપમાનમાં મામુલી વધારો થશે પરંતુ 5મી જાન્યુઆરીથી તાપમાન ઘટશે અને આ દરમ્યાન તીવ્ર ગતિના પવન ફુંકાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યુ હતું કે, રાજયમાં ન્યુનતમ તાપમાનમાં અલગ-અલગ સેન્ટરોમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન 11થી13 ડીગ્રી છે અને મોટાભાગે તાપમાન તેની આસપાસ જ છે છતાં દિવસનું મહતમ તાપમાન નોર્મલથી નીચે રહેતુ હોવાના કારણોસર દિવસે પણ ટાઢોડાનો અનુભવ થઈ રહ્યો છે.
અમદાવાદમાં આજે ન્યુનતમ તાપમાન 13.7 ડીગ્રી હતુ તે નોર્મલ કરતા એક ડીગ્રી વધુ હતું. અમરેલીમાં 14.2 ડીગ્રી નોર્મલ કરતા 3 ડીગ્રી વધુ હતું. ભુજમાં 10.8 ડીગ્રી નોર્મલ સ્તરે હતુ. ડીસામાં 9.6 તથા રાજકોટમાં 11 ડીગ્રી નોર્મલ કરતા એક ડીગ્રી નીચા હતા.
તેઓએ તા.31 ડીસેમ્બરથી 6 જાન્યુઆરી સુધીની આગાહીમાં જણાવ્યુ હતું કે તા.2 જાન્યુઆરી સુધી પવનની ગતિ નોર્મલ રહેશે. 4થી6 જાન્યુઆરીમાં પવનની ઝડપમાં નોર્મલ કરતા 5થી15 કી.મી.નો વધારો થશે.
4 અને 5 જાન્યુઆરીએ પશ્ચિમ પવન ફુંકાશે. જયારે બાકીના દિવસોમાં ઉતરપુર્વના પવન હશે. આગાહી દરમ્યાન આકાશ ચોખ્ખુ રહેશે. સવારે ભેજનું પ્રમાણ હશે અને મુખ્યત્વે કચ્છ બાજુ સવારે ઝાકળવર્ષા શકય છે.
આગાહીના સમયગાળામાં તાપમાનને લાગેવળગે છે ત્યાં સુધી 31 ડીસેમ્બર અને 1 જાન્યુઆરીએ અર્થાત મંગળ-બુધ તાપમાનમાં 1થી2 ડીગ્રીનો વધારો થશે. 2થી4 જાન્યુઆરીમાં તાપમાન વધુ 1થી2 ડીગ્રી વધશે.
ત્યારબાદ 5-6 જાન્યુઆરીમાં તાપમાન બે થી ત્રણ ડીગ્રી ઘટી જશે અને 9થી11 ડીગ્રીની રેન્જમાં આવવા સાથે ઠંડીનો નવો ચમકારો અનુભવાશે. તા.6 જાન્યુઆરી આસપાસ ઉતર ભારત પર નવુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પણ સક્રીય થવાની સંભાવના છે.