Mumbai, તા.30
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનાં પ્રભાવશાળી અવાજ સાથે, મુફાસા- ધ લાયન કિંગ ભારતીય થિયેટરોમાં ગર્જના કરી રહ્યું છે. આ એનિમેટેડ હોલીવુડ મૂવીએ ભારતીય દર્શકોનાં દિલ જીતી લીધાં છે. જેનાં કારણે મુફાસાએ બોક્સ ઓફિસ પર કલેક્શનના મામલે શાનદાર પ્રદર્શન કર્યું છે.
ફરી એકવાર સપ્તાહનાં અંતે મુફાસાની કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ ફિલ્મનાં 10 માં દિવસનાં કલેક્શન રિપોર્ટ દ્વારા સરળતાથી અંદાજ લગાવી શકાય છે કે લોકોને ફિલ્મ કેટલી પસંદ આવી રહી છે. ચાલો જાણીએ કે આ ફિલ્મે બીજા રવિવારે કેટલી કમાણી કરી છે ?
મુફાસાએ રવિવારે બમ્પર કમાણી કરી
ઘણાં સમયથી જોવામાં આવી રહ્યું છે કે, ભારતમાં હોલીવુડની ફિલ્મોને પસંદ કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. પછી તે માર્વેલ સ્ટુડિયોની એવેન્જર્સ ફિલ્મો હોય કે પછી એનિમેટેડ ફિલ્મ મુફાસાનો પહેલો અને બીજો ભાગ હોય. હાલમાં, મુફાસા – ધ લાયન કિંગે ભારતીય બોક્સ ઓફિસ પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે. સેકેનીલ્કના રિપોર્ટના આધારે, આ ફિલ્મે તેની રિલીઝના 10માં દિવસે લગભગ 11.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
મુફાસા-ધ લાયન કિંગની રવિવારની કમાણી પરથી સહેલાઈથી અનુમાન લગાવી શકાય છે કે તેણે રજાનો ખૂબ સારી રીતે લાભ લીધો છે. આ સાથે હવે મુફાસાએ ભારતીય બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાના જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો છે. જે પુષ્પા 2 અને બેબી જ્હોન જેવી મોટી ફિલ્મો વચ્ચે હાંસલ કરવો મોટી વાત છે.
નોંધનીય બાબત એ છે કે, મુફાસા – ધ લાયન કિંગની આ કમાણી હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં છે. જે બતાવવા માટે પૂરતું છે કે દરેક વર્ગનાં ચાહકો આ હોલીવુડ ફિલ્મને પસંદ કરી રહ્યાં છે.
મુફાસાનું કલેકશન
પ્રથમ દિવસે 8.30 કરોડ
બીજાં દિવસે 13.25 કરોડ
ત્રીજા દિવસે 17.3 કરોડ
ચોથા દિવસે 6.25 કરોડ
પાંચમાં દિવસે 8.25 કરોડ
છઠ્ઠાં દિવસે 13.65 કરોડ
સાતમાં દિવસે 7 કરોડ
આઠમાં દિવસે 6.25 કરોડ
નવમાં દિવસે 9.25 કરોડ
દસમાં દિવસે 11.75 કરોડ
કુલ 101.85 કરોડ