New Delhi,તા.30
બજેટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તમામ ક્ષેત્રો તેમની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)એ પણ કેન્દ્ર સરકાર સમક્ષ પેટ્રોલ, ડીઝલ અને ઈન્કમ ટેક્સ પર રાહતો મુદ્દે માગ કરી છે. જો આ માંગણીઓ સ્વીકારવામાં આવશે તો દેશના તમામ લોકોને તેનો સીધો ફાયદો થશે.
પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા માગ
સીઆઈઆઈએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની માગ કરી છે કે, હાલમાં પેટ્રોલની કિંમતના 21 ટકા અને ડીઝલની કિંમતના 18 ટકા એક્સાઈઝ ડ્યૂટી લાગુ છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 40 ટકા ઘટ્યા હોવા છતાં તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી. જેમાં ફોકસ કરવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે.
ઈનકમ ટેક્સમાં સુધારો કરવા માગ
ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈએ જણાવ્યું કે, નિમ્ન અને મધ્યમ વર્ગને રાહત આપવા ઈનકમ ટેક્સમાં ઘટાડો કરવા વિચારણા કરવી જોઈએ. ખાસ કરીને જેમની વાર્ષિક આવક 20 લાખ રૂપિયા સુધી છે તેમને ઈનકમ ટેક્સમાં રાહતો મળવી જોઈએ.
મનરેગા જેવી યોજનામાં ફાળો વધારવા સલાહ
મનરેગા અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવા અંગે પણ સલાહ આપી છે. પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે પાત્ર ખેડૂતોને કુલ 6 હજાર રૂપિયાની રકમ સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. PM કિસાન યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી.