Jamnagar, તા 30
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં વિચિત્ર બનાવ બન્યો હતો. એક બંધ પડેલી કારના ટાયરની ચોરી કરવા આવેલા શખ્સોને ગામના ઉપ સરપંચ અને તેના પિતરાઈ ભાઈએ પડકારતાં ચારેય શખ્સોએ હંગામો મચાવી છરી વડે જીવલેણ હુમલો કરીને ભાગી છૂટ્યા હતા, જે બંને ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે. ચાર હુમલાખોરો પૈકી ત્રણની પોલીસે અટકાયત કરી લીધી છે
આ હીચકારા જીવલેણ હુમલા ના બનાવની હકીકત એવી છે કે કાલાવડ તાલુકાના શિશાગ ગામના રહેતા અને ખેતી કામ કરતા તેમજ ગામના ઉપસરપંચ બળભદ્રસિંહ રઘુભા જાડેજા એ પોતાના ઉપર તેમજ પોતાના પિતરાઈ ભાઈ મયુર સિંહ જયરાજસિંહ જાડેજા ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે રાજકોટના વતની ચિરાગ જયંતીભાઈ પરમાર, હિતેશ મનજીભાઈ, રોહિત દિનેશભાઈ અને તેના એક અજાણ્યા સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.
બંને ઇજાગ્રસ્ત પિતરાઈ ભાઈઓને ગળાના ભાગે તેમજ સાથળના ભાગે છરીના ઘા વાગ્યા હોવાથી ગંભીર અને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે રાજકોટથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને બંનેની સધન સારવાર ચાલી રહી છે.
સમગ્ર બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય ના પીઆઇ એનબીઆર ડાભી તેમની ટીમ સાથે બનાવના સ્થળે તેમજ રાજકોટ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને ઉપસરપંચ બળભદ્ર સિંહ નું નિવેદન નોંધ્યું હતું.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે શીશાંગ ગામમાં ગઈ રાત્રે પંચાયતની ઓફિસની પાછળ છેલ્લા ત્રણેક મહિનાથી બંધ પડેલી એક કારમાંથી કેટલાક શખ્સો ટાયર ખોલવાની કોશિશ કરી રહ્યા હતા.
જેના પર પોતાના પિતરાઇ ભાઈ મયુરસિંહનું ધ્યાન પડતાં તેમણે તુંરત જ ઉપસરપંચ બળભદ્રસિંહ ને જાણ કરી હતી, અને બંને તે સ્થળે પહોંચીને નામ પૂછતાં તેઓ ઉસકેરાઈ ગયા હતા, તેમ જ ગાડીના કાગળો માંગતા તેઓએ આ ગાડી પોતાની છે, અને ટાયર કાઢતા હોવાનું જણાઇ આવ્યું હતું, તેથી તેઓને આવતીકાલે વાહનના કાગળો લઈને આવજો અને કાલે તેમાંથી કાંઈ પણ વસ્તુ કાઢવું હોય તો કાઢી લેજો તેમ કહેતાં ચારે શકશો ઉસકેરાઈ ગયા હતા, અને ચાર પૈકીના ત્રણએ ઢોર માર માર્યો હતો.
જ્યારે અન્ય એક શખ્સ દ્વારા બંને ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી દેવાયો હતો.
જે સમગ્ર મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, અને ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે. જ્યારે એક અજાણ્યો શખ્સ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.