Jamnagar, તા.30
જામનગરનું શંકર ટેકરી ઉદ્યોગનગર આજકાલ કચરાના ઢગલાઓ અને ગટરની દુર્ગંધથી ધમધમી રહ્યું છે. આગામી વર્ષે યોજાનાર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો-૨૦૨૫ પહેલાં ઉદ્યોગનગરની આ દુર્દશાએ ચિંતા વધારી છે. આડેધડ ફેલાયેલા કચરાના ઢગલાઓ અને ગટરોની દુર્ગંધને કારણે શહેરની છબી ખરડાઈ રહી છે.
આ સ્થિતિમાં ઇન્ટરનેશનલ એક્સપોનું આયોજન કરવું કેટલું પેચિદું બનશે, તે પણ એક સવાલ છે. શહેરના તંત્રએ આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.
ઉદ્યોગનગરના અનેક રસ્તાઓ પર દેશ – વિદેશથી આયાત થતા ભંગારમાંથી નીકળતા જૈવિક કેમિકલ વાળા કચરાવાળો તેમજ પ્લાસ્ટિકના કાગળનો કચરો, ઓઇલ સફાઈમાં યુઝ કરેલા કપડાના ગંદા ટુકડાઓ ભઠ્ઠીઓની માટી, અને બ્રાસ ભંગારમાથી નીકળતા હજાર્ડયસ કચરાના ઢગલાઓ જોવા મળે છે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલોમા ગંદકી અને કચરાથી ખચોખચ ભરાયેલી જોવા મળે છે. આ કચરાના કારણે ન માત્ર પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે પરંતુ કારીગરો અને ઉદ્યોગકારોનું આરોગ્ય પણ જોખમમાં છે. આ કચરાના ઢગલાઓમાંથી દુર્ગંધ મારતી હોવાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને મહાનગરપાલિકા નિષ્ક્રિય રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગકારોએ અનેક વખત આ સમસ્યા અંગે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
આગામી દિવસોમાં જામનગરમાં યોજાનાર જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનૅશનલ એક્સપો ૨૦૨૫ને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ તાત્કાલિક ધોરણે રસ્તાઓની સમારકામ કરવાની માંગ કરી છે. જો રસ્તાઓની હાલત સુધરશે નહીં તો વિદેશી મહેમાનો ઉદ્યોગ નગરની ખરાબ હાલત જોઈને ખૂબ જ નિરાશ થશે અને ભારતના વિકાસના દાવાઓ પર પ્રશ્નાર્થ ઊભું થશે.
આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. કચરાનું નિકાલ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. આ સાથે જ ઉદ્યોગકારોને પણ જવાબદાર બનાવવા જોઈએ કે તેઓ પોતાના કારખાનામાંથી નીકળતો કચરો વ્યવસ્થિત રીતે નિકાલ કરે.
લોકોની માંગ છે કે દરેક વિસ્તારમાં કચરાપેટીઓ મુકવામાં આવે અને નિયમિત સફાઈ કરવામાં આવે. આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ બગડી શકે છે.