Nadiad,તા.૩૦
ખેડા જિલ્લામાં નડિયાદ ગેસ રીફિલંગ કૌભાંડનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. આ અંગે પુરવઠા વિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી પોતાના મકાન પાસે ઓરડીમાં ગેસ ભરી આપતો હતો. આરોપી ગેસની બોટલોમાં જોઈએ તેટલો ગેસ ભરી આપતો હતો. જિલ્લા પુરવઠા વિભાગે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગેસની બોટલો સહિત ૨.૩૧ લાખનો મુદ્દામાલ આ અંગે જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. નડિયાદના ડીવાયએસપી વી આર બાજપાઈએ જણાવ્યું હતું કે નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી ખેડા એલસીબીએ ગેસની બોટલને રીફિલિંગ કરી વેચવાનું કૌભાંડ ઝડપ્યું હતું.પુરવઠા વિભાગ અને પોલીસ સાથે રહીને સોસાયટી વિસ્તારમાં ગેસ રીફિલિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. બે દિવસ બાદ પુરવઠા વિભાગ દ્વારા આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આરોપી કિરીટ ઉર્ફે ગિરીશ પટેલ પોતાના રહેણાક મકાન પાસે ઓરડીમાં ગેસની બોટલમાં જોઈએ તેટલો ગેસ ભરી આપતો હતો. આ બાબતે જિલ્લા પુરવઠા વિભાગ સમક્ષ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એલસીબીએ પાડેલા દરોડામાં ૭૦ જેટલી ગેસની બોટલો, ઇલેક્ટ્રિક મોટર અને વજન કાંટા સાથે કુલ ૨.૩૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી આ કિસ્સામાં વધુ તપાસ શરૂ કરી છે.
આમ રાજ્યમાં દિવસ વીતતો નથીને કોઈને કોઈ કૌભાંડ સામે આવી જાય છે. રાજ્ય જાણે કૌભાંડીઓથી ભરેલું હોય તેમ લાગે છે. ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરાની જેમ શહેર-શહેરે કૌભાંડ તારા ડેરા જેવી સ્થિતિ છે. એક કૌભાંડનો છેડો માંડ આવે છે ત્યાં બીજા કૌભાંડનો પર્દાફાશ થાય છે. ગુજરાત જાણે કૌભાંડીઓના હવાલે થઈ ગયું છે કે નવા-નવા પ્રકારના કૌભાંડોનું જનક છે તેવો સવાલ ઊભો થાય છે. કૌભાંડીઓનો વ્યાપ એટલો વધી ગયો છે કે તેની તપાસમાં પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે.