Nadiad,તા.31
નડિયાદ રિંગ રોડ ઉપર કાસ સાથે ઈકોએ ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અંગે ગુના બાદ તપાસમાં બગડુના સરપંચ દારૂ પી વાહન ચલાવી અકસ્માત કર્યો હોવાનું બહાર આવતા નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો છે.
દસકોઈ તાલુકાના ગોતાના હરપાલસિંહ વાઘેલા ગાડી લઈ પોતાની સાસરી હાથજ આવ્યા હતા. હાથજથી બે સાળાઓ સાથે ગણપતિ ચોકડી આવ્યા હતા. ત્યાંથી રાત્રે પરત હાથજ જઈ રહ્યા હતા. ત્યારે જિલ્લા જેલ નજીક ગાડી ઉભી રાખી હતી. ત્યારે ઈકોનો ચાલક ગાડી સાથે અથડાવી નાસી ગયો હતો. આ બનાવ અંગે હરપાલસિંહ વાઘેલાની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન બગડુના સરપંચ બળવંતસિંહ ફતેસિંહ સોઢા દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. બગડુના સરપંચે દારૂનો નશો કરી ઈકો હંકારી અકસ્માત કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવે છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે બળવંતસિંહ ફતેસિંહ સોઢા સામે દારૂ પી લથડિયા ખાતો હોવાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.