Jamnagar,તા.01
જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા 31મી ડિસેમ્બરની રાત્રે રંગારંગ કાર્યક્રમની સાથે નશાખોરોને કાબુમાં રાખવા માટે જામનગર જિલ્લાના પોલીસ તંત્રએ કમર કસી હતી, અને ખાસ કરીને જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર ડ્રિંક એન્ડ ડ્રાઇવ રાખવામાં આવી હતી, તેમજ સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર જુદા-જુદા પાર્ટી પ્લોટ, હાઇવે રેસ્ટોરન્ટ વગેરે સ્થળો પર ન્યુયર પાર્ટીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જામનગરનો અનેક યુવા વર્ગ જોડાયો હતો. જે તમામ લોકો પોતાના વાહનોમાં રાત્રીના સમયે આવન જાવન કરે તે સમયે નશાખોરોને કાબુમાં રાખવાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રાખવામાં આવી હતી.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રની અલગ અલગ ટુકડીઓ શહેરની ભાગોળે જુદી-જુદી ચેક પોસ્ટ પર ગોઠવાઈ ગઈ હતી, અને મોટા પાયે વાહન ચેકિંગ કર્યું હતું.

રાત્રિના દસ વાગ્યાથી લઈને મોડી રાત્રે સુધી ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી, અને કેટલાક વાહનો ચેક કરવામાં આવ્યા હતા. ઉપરાંત વાહન ચાલકો સહિતના લોકો કે જે લોકો રાત્રિના સમયે ડ્રાઇવ કરીને નીકળ્યા હતા, તે તમામને રોકી ને બ્રેથ એનાલાઇઝરની મદદથી ચકાસણી પણ કરવામાં આવી હતી. પોલીસ તંત્રની આ સમગ્ર કવાયતને લઈને મોટાભાગના નશાખોરો ભોં ભીતર થઈ ગયા હતા.