Prayagraj, તા.2
સંગમ તટ પર 6 વર્ષ પહેલા યોજાયેલા મહાકુંભનું આકર્ષણ ટેન્ટ સિટી હતું તો 2025માં યોજાનાર મહાકુંભમાં ડોમસિટી લોકોના મનને આકર્ષશે, ટેન્ટ સિટી સરૈલમાં બન્યું હતું. જ્યારે 44 રૂમવાળુ ડોમસિટી પણ અહીં જ વિકસિત થઇ રહ્યું છે. 51 કરોડ રૂપિયાના ખર્ચે અઢી હેક્ટરમાં આ ડોમસિટી તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આ ડોમસિટીની ખાસિયતએ છે કે, તેને જમીનથી 8 મીટર ઉંચાઇ પર બનાવવામાં આવી રહ્યું છે. પારદર્શી પોલિકાર્બોનેટ શીટથી આ ડોમસિટી બનાવવામાં આવી રહ્યું છે. દાવો છે કે તેમાં રહેનાર પાસેથી એક દિવસનું ભાડુ 81 હજારથી 91 હજાર નિર્ધારિત કરાયું છે.
આ ડોમસિટીના રૂમ અત્યાધુનિક સુવિધાથી સજ્જ ગોળાકાર ગુંબજ જેવા દેખાય છે. આ ડોમસિટીના રૂમનું ભાડુ દેશની જાણીતી ફાઇવ સ્ટાર હોટેલોના ભાડા કરતા પણ વધુ છે.
પહેલીવાર ગંગા-યમુના પર જોવા મળશે ફ્લોટીંગ હાઉસ
આ મહાકુંભમાં ગંગા અને યમુના પર તરતા ઘર (ફ્લોટીંગ ઘર) પહેલીવાર જોવા મળશે. વારાણસીની એક કંપનીએ પીપીપી મોડેલ પર તેને તૈયાર કર્યા છે. અલગ અલગ મોડેલના આ ફ્લોટીંગ હાઉસમાં 40 થી 100 લોકોના રહેવાની ક્ષમતા છે. ફ્લોટીંગ હાઉસમાં સ્નાન કર્યા બાદ ચા-નાસ્તાની પણ વ્યવસ્થા પણ કરાશે.
ઓનલાઇન બુકીંગ
ડોમ અને વુડન કોટેજ સિટી 13 જાન્યુઆરી સુધીમાં તૈયાર થઇ જશે. એક માય ટ્રીપ અને યુપી ટુરિઝમની વેબસાઇટ પર તેના રૂમનું બુકીંગ થઇ શકશે.
વુડેન કોટેજ કોલોની પણ
આઠ મીટર ઉપર બની રહેલી ડોમસિટી નીચે 176 રૂમની વુડન કોટેજ કોલોની પણ તૈયાર થઇ રહી છે. જેના રૂમનું એક દિવસનું ભાડુ 35 હજાર છે.