Jamnagar,તા.03
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં આવેલી એક ઇલેક્ટ્રીકની દુકાન તથા એક જ્વેલર્સની દુકાનને ગઈ રાત્રિ દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી હતી, અને બંને દુકાનોના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કરો તેમાં સફળ થયા ન હતા. જોકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને ખેતી કામ તથા ઇલેક્ટ્રીક કામ કરતા વેપારી વિપુલભાઈ ખીમજીભાઈ પટેલ કે જેમની ગરબી ચોકમાં આવેલી શિવલેટ્રીક નામની દુકાનમાં તસ્કરોએ તાડા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, આ ઉપરાંત બાજુમાં જ આવેલી એમ. જે. જવેલર્સ નામની દુકાનમાં પણ તસ્કરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ચોરી કરવામાં સફળ થયા ન હતા, અને તસ્કરો ભાગી છૂટયા હતા.
જે અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.બી.રાંકજા બનાવના સ્થળે પહોંચી ગયા છે, અને તપાસનો દોર હાથમાં લીધો છે.
જામનગર શહેરમાંથી વધુ એક બાઈકની ઉઠાંતરી
જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા ગિરધરભાઈ રણછોડભાઈ રાઠોડ નામના યુવાને પોતાના મિત્રના ઘર પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.