Jamnagar,તા.03
જામનગર જિલ્લાના જોડિયા બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઉભેલા એક તરુણને ફુલ સ્પીડમાં યુ ટર્ન લઈને આવી રહેલી એક એસ.ટી. બસના ચાલકે હડફેટમાં લઈ લેતા ગંભીર ઈજા થઈ છે, અને પગમાં 25 ટાંકા લેવા પડ્યા છે. જે મામલે એસ.ટી. બસના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ જોડિયા તાલુકાના નાનો વાસ વિસ્તારમાં રહેતા અને હાલ જામનગરના જોડિયા ભુંગા વિસ્તારમાં રહેવા માટે આવેલા તેમજ માછીમારી કરતા હનીફભાઈ અબ્દુલભાઈ નાના વાઘેર માછીમાર યુવાને પોતાના 16 વર્ષના પુત્ર અકિલને ઠોકરે ચડાવી ગંભીર ઇજા પહોંચાડવા અંગે જીજે.18 ઝેડ 5374 નંબરની એસટી બસના ચાલક સામે જોડીયા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી હનીફભાઈ અને તેના પુત્ર સહિતના સહ પરિવારના સભ્યો એસટી બસની રાહ જોઈને જોડિયાના બસ સ્ટેન્ડમાં ઊભા હતા, જે દરમિયાન ઉપરોક્ત એસટી બસના ચાલકે બે ફિકરાઈ પૂર્વક યુ-ટર્ન લઇ લેતાં અકીલ બસની હડફેટમાં આવી ગયો હતો, અને તેના પગ ઉપરથી બસનું પાછલું વ્હીલ ફરી વળ્યું હતું, અને ગંભીર ઇજા થઈ હતી. જેથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને તેના પગમાં 25 ટાંકા લેવા પડ્યા છે. જયારે અનેક ફ્રેકચરો થયા છે. જે સમગ્ર મામલે જોડીયા પોલીસ વધુ તપાસ ચલાવે છે.