New York તા.3
ભારતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગ્રુપ સામે અમેરિકામાં દાખલ થયેલા લાંચ કેસમાં હવે ફોજદારી તથા સિવિલ કેસો એકસાથે ચલાવવાનો આદેશ અમેરિકી કોર્ટે કર્યો છે.
ગૌતમ અદાણી તથા અન્યો સામે 265 મીલીયન ડોલરની લાંચ મામલે કુલ ત્રણ કેસો થયા છે. આ ત્રણેય કેસ એક સાથે ચલાવવા ન્યુયોર્ક કોર્ટે હુકમ કર્યો છે. ક્રિમીનલ અને સિવિલ એમ બન્ને પ્રકારના ત્રણેય કેસની સંયુક્ત ટ્રાયલ ચાલશે. ત્રણેય કેસમાં એક જ વ્યવહાર તથા સમાન આરોપો હોવાથી સંયુક્ત ટ્રાયલ ચલાવવાનો નિર્ણય કરાયો છે.
ન્યુયોર્ક કોર્ટમાં થયેલા ત્રણ કેસો પૈકી એક ક્રિમીનલ કેસ અદાણી તથા અન્યો અને અમેરિકા વચ્ચે છે. એક સીવીલ કેસ સિકયુરીટી એન્ડ એકસચેંજ કમીશન વિરુદ્ધ અદાણી તથા અન્યો છે. ત્રીજો કેસ સિકયુરીટી કમીશન વિરુદ્ધ કેબેન્સનો છે પણ સિવિલ છે.
અદાલતે કહ્યું કે કાનૂની કાર્યદક્ષતા વધારવા તથા ટ્રાયલના શિડયુલમાં સંભવિત ટકરાવને રોકવા આ નિર્ણય લેવાયો છે. અદાણી સામેના ક્રિમીનલ કેસની ટ્રાયલ ચલાવી રહેલા ડીસ્ટ્રીકટ જજ નિકોલસ ગરૌફને બાકીના બન્ને કેસ સોંપી દેવામાં આવ્યા છે. કોર્ટ સ્ટાફને આ કેસના સાહિત્ય ડીસ્ટ્રીકટ જજને સોંપી દેવા કહી દેવામાં આવ્યુ છે.
ભારતની વિજ વિતરણ કંપનીઓ પાસેથી સોલાર કોન્ટ્રાકટ મેળવવા માટે અદાણીએ 265 મિલિયન ડોલર (2029 કરોડ)ની લાંચ આપી હોવાનો આરોપ મુકાયો છે. અદાણી ગ્રુપે બેંકો તથા ઈન્વેસ્ટરો પાસેથી રોકાણ મેળવ્યુ તેમના સમક્ષ આ હકીકત છુપાવવામાં આવી હતી.
અદાણી ગ્રુપે આ આરોપને તથ્યવિહોણા ગણાવ્યા હતા. કાયદાનું પાલન કરવામાં આવે જ છે. આ કેસ માત્ર આક્ષેપ આધારિત છે અને તપાસના અંતે નિર્દોષ સાબીત થવાનો વિશ્વાસ છે.