Patna,તા.૩
બિહારના બેતિયા જિલ્લાના મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં પબજી ગેમ રમતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં ત્રણ કિશોરોના મોત થયા હતા. આ અકસ્માત નરકટિયાગંજ-મુઝફ્ફરપુર રેલ્વે સેક્શન પાસે થયો હતો. મૃતકોમાં મોહમ્મદ અલીનો પુત્ર ફુરકાન આલમ, મોહમ્મદ ટુનતુનનો પુત્ર સમીર આલમ અને હબીબુલ્લાહ અંસારીનો સમાવેશ થાય છે.
ઘટના સમયે, ત્રણેય કિશોરો રેલવે ટ્રેક પર બેસીને પબજી રમતા હતા અને તેમના કાનમાં ઇયરફોન હતા. જેના કારણે તેઓ ટ્રેનનો અવાજ સાંભળી શક્યા ન હતા. મુઝફ્ફરપુરથી નરકટિયાગંજ જઈ રહેલી ડેમુ પેસેન્જર ટ્રેન અચાનક આવીને ત્રણેયને ટક્કર મારી હતી.
અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સદર એસડીપીઓ વિવેક દીપ અને આરપીએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પરિજનો મૃતદેહને ઘરે લઈ ગયા, જ્યારે પોલીસે ઘણી મહેનત બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
આ દુઃખદ ઘટનાથી ત્રણેય કિશોરોના પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે. વહીવટીતંત્ર અને રેલ્વે પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ રેલ્વે ટ્રેક પર આવી બેદરકારીમાં ન આવે.