Vadodara,તા.06
ફેસબૂક પર ફેક એકાઉન્ટ બનાવી લેન્ડ બ્રોકરનો સંપર્ક કરી યુવતીએ મકાનના કામ માટે મળવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ યુવતીના સાગરીતોએ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવ્યા હોવાનું જણાવી બ્રોકરને ધમકાવી રૃપિયા પડાવી લીધા હતા. હનિ ટ્રેપના આ ગુનામાં પોલીસે યુવતી અને તેના ત્રણ સાગરીતોને ઝડપી પાડયા છે.
આણંદ જિલ્લાના નાપાડ તાલુકાના તળપદ ગામે રહેતા અને જમીન મકાન લે-વેચનો ધંધો કરતા જયકુમાર મુકેશકુમાર પટેલે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ફેસબૂક પર ફેક એકાઉન્ટ બનાવી જીયા પટેલ નામ ધારણ કરી યુવતીએ મારો સંપર્ક કર્યો હતો. તેણે મકાનના કામ માટે મને આજવા ચોકડી પાસે બોલાવતા હું ગયો હતો. ત્યાં યુવતીના સાગરીતોએ મને ડરાવી ધમકાવી કારમાં ઉઠાવી ગયા હતા. મને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગેંગે મારી પાસેથી સોનાની વીંટી અને રોકડા મળી ૧.૪૫ લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં ડીસીપી ઝોન – ૩ એલ.સી.બી.ના પી.એસ.આઇ. બી.જી.વાળાએ ડીસીપી અભિષેક ગુપ્તાની સૂચના મુજબ, હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી (૧) વૈશાલી મૌલિકભાઇ પૂજારા (૨) માયાભાઇ ભગુભાઇ શેયડા (બંને રહે. વરાછા, સુરત) (૩) કલ્પેશ દિલસુખભાઇ અગ્રાવત (૪) વિનોદ ગોરધનભાઇ અગ્રાવત તથા (૫) અજય કિશોરભાઇ અગ્રાવત ( તમામ રહે. રાજકોટ)ને ઝડપી પાડયા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ સુરતના સારોલી અને કતાર ગામ પોલીસ સ્ટેશનના બે ગુનામાં વોન્ટેડ છે. તેમજ અગાઉ પણ આરોપીઓ હનિ ટ્રેપના ગુનામાં પકડાયા હતા.