Jamnagar,તા.06
જામનગર નજીક ઠેબા ગામમાં આવેલી એક વાડીની ઓરડીમાં રમાઈ રહેલા જુગારધામ પર પંચકોશી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, અને વાડી માલિક સહિત છ જુગારીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન સહિત રૂપિયા અઢી લાખની માલમતા કબજે કરી છે.
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને ઠેબા ગામમાં વાડી ધરાવતા ગૌરવ રોહિતભાઈ માડમની વાડીની ઓરડીમાં રમાઈ રહેલા જુગારધામ પર પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન વાડી માલિક સહિત છ જુગારીઓ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.
આથી પોલીસે ગૌરવ રોહિતભાઈ માડમ તેમજ રવિ અજીતભાઈ સંચાણીયા, વિપુલ જીવરાજભાઈ માવલા, વિજય સવદાસભાઈ ચેતરીયા, સંજય બટુકભાઈ બારોટ, તેમજ હરેશ ગોવિંદભાઈ પરમારની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 75 હજારની રોકડ રકમ, છ નંગ મોબાઈલ ફોન, તેમજ ત્રણ મોટરસાયકલ સહિત રૂપિયા અઢી લાખની માલમતા કબજે કરી છે.
ધ્રોલમાંથી જુગાર રમી રહેલા ચાર જુગારીઓ પકડાયા
જામનગર જિલ્લાના ધ્રોળમાં કે.જી.એન પાર્ક વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા એજાજ ફિરોજભાઈ તાયાણી, ઇમરાન ફારુકભાઈ નાગાણીઝ અમીર હુસેન ઉર્ફ જાવેદભાઈ સુમારીયા તેમજ અલ્તાફ ફારૂકભાઈ નાગાણીની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 6,350 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.