ભારતીય શેરબજારમાં કોરોનાકાળ પછી સૌથી મોટી અને લાંબી તેજી જોવા મળી હતી અને તેના પ્રભાવ હેઠળ પ્રાયમરી માર્કેટમાં પણ અભૂતપૂર્વ ધમધમાટ રહ્યો હતો. હવે સત્તાવાર રીપોર્ટમાં એવું જાહેર થયું છે કે 2024માં સૌથી વધુ આઇપીઓ મામલે ભારત સમગ્ર એશિયામાં નંબર-વન રહ્યું હતું. જ્યારે આઇપીઓ મારફત નાણાં એકત્રિત કરવામાં સમગ્ર વિશ્ર્વમાં પ્રથમ નંબરે રહ્યું હતું.
નેશનલ સ્ટોક એક્સચેંજ દ્વારા જારી કરાયેલા રીપોર્ટ પ્રમાણે 2024માં એનએસઇમાં મેઇન બોર્ડના 90 તથા એસએમઇ પ્લેટફોર્મમાં 178 આઇપીઓ આવ્યા હતા. એક જ કેલેન્ડર વર્ષની આ સંખ્યા સમગ્ર એશિયન દેશો કરતા વધુ છે. આ જ રીતે આ આઇપીઓ મારફત 1.67 લાખ કરોડ એકત્રિત થયા હતા જે રકમ સમગ્ર વિશ્ર્વના દેશો કરતાં વધુ છે. પ્રાયમરી માર્કેટમાં ઇન્વેસ્ટરોનું રોકાણ ભારતીય શેરબજાર પરનો તેમનો ભરોસો સુચવે છે.
વૈશ્ર્વિકસ્તરે 2024માં કુલ 1145 આઇપીઓના લીસ્ટીંગ થયા હતા. 2023માં આ સંખ્યા 1271ની હતી. વૈશ્ર્વિક સ્તરે આઇપીઓની સંખ્યામાં ઘટાડો થવા છતાં ભારતમાં વૃદ્ધિ જોવા મળી હતી એટલું જ નહીં સમગ્ર એશિયાઇ દેશોમાં કુલ આઇપીઓ આવ્યા તેમાંથી 25 ટકાનો હિસ્સો માત્ર ભારતનો હતો.
એનએસઇના રીપોર્ટ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેંજમાં 268 કંપનીઓના આઇપીઓ આવ્યા હતા અને 1.67 લાખ કરોડ એકત્રિત થયા હતા. સૌથી મોટો 27735 કરોડનો આઇપીઓ હ્યુન્ડાઇ મોટર્સનો હતો. વૈશ્ર્વિક સ્તરે પણ તે બીજા નંબરનો સૌથી મોટો આઇપીઓ બન્યો હતો.
એનએસઇમાં મેઇન બોર્ડના 90 આઇપીઓની એકત્રિત રકમ 1.59 લાખ કરોડની હતી જ્યારે 178 એસએમઇ આઇપીઓમાં 7349 કરોડ એકઠા થયા હતાં. એનએસઇના ચીફ બિઝનેશ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ ક્રિષ્ણને કહ્યું કે 2024માં વિક્રમજનક આઇપીઓ ભારતીય અર્થતંત્રની તાકાત સુચવે છે.
રીપોર્ટમાં એમ કહેવાયું છે કેએશિયાના અન્ય કોઇપણ શેરબજાર કરતા એનએસઇએ વધુ સંખ્યામાં આઇપીઓ મેળવ્યા છે. વિશ્ર્વના આંકડા ચકાસવામાં આવે તો એનએસઇમાં 268 કંપનીઓના આઇપીઓ મારફત 19.5 અબજ ડોલર એકત્રિત થયા હતા. ન્યુયોર્ક સ્ટોક એક્સચેંજ 15.9 અબજ ડોલર સાથે બીજા ક્રમે તથા સાંધાઇ સ્ટોક એક્સચેંજ 8.8 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.