Mumbai,તા.૭
અભિનયની દુનિયાની સાથે અભિષેક બચ્ચનને સ્પોર્ટ્સમાં પણ રસ છે. તેઓ રમતગમતની દુનિયામાં પણ નાણાં રોકે છે. હવે તેણે યુરોપિયન ટી ૨૦ પ્રીમિયર લીગ (ઇટીપીએલ)માં નાણાંનું રોકાણ કર્યું છે. અભિષેક આ લીગનો કો-ઓનર બની ગયો છે. આ લીગ આ વર્ષે જુલાઈથી શરૂ થશે. આ લીગમાં અભિષેક બચ્ચનનું રોકાણ વૈશ્વિક રમતોમાં તેમના યોગદાનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેણે આ અંગે ખુશી વ્યક્ત કરી છે.
યુરોપિયન ટી ૨૦ પ્રીમિયર લીગ એક એવી ટુર્નામેન્ટ છે જેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ સહિત વિશ્વભરના ટોચના ખેલાડીઓ રમતા જોવા મળશે. આ લીગ ૧૫ જુલાઈથી ૩ ઓગસ્ટ ૨૦૨૫ સુધી ચાલશે. તેની મેચો ડબલિન અને રોટરડેમમાં યોજાશે.
અભિષેક બચ્ચને ઇટીપીએલમાં જોડાવા પર ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું, ’ક્રિકેટ માત્ર એક રમત નથી, તે વિશ્વભરના દેશોને સાથે લાવવાનું પ્લેટફોર્મ છે.ઇટીપીએલએ એક પ્લેટફોર્મ છે જે ક્રિકેટની વધતી માંગને શ્રેષ્ઠ રીતે પ્રતિબિંબિત કરશે. ૨૦૨૮ ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ સાથે, આ લીગ આ રમતની લોકપ્રિયતા વધારવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડના ક્રિકેટ બોર્ડ વચ્ચેના આ પ્રકારના પ્રથમ સહયોગ માટે હું ખૂબ જ ઉત્સાહિત અને આભારી છું.
અભિષેક બચ્ચને વધુમાં કહ્યું હતું કે, ’મને મારી ટીમ પર આ ઈવેન્ટને સફળ બનાવવા માટે પૂરો વિશ્વાસ છે. હું દરેકને અભિનંદન આપું છું, તેઓ છેલ્લા એક વર્ષથી સખત મહેનત કરી રહ્યા છે. ઇટીપીએલને ભવ્ય રીતે સફળ બનાવવાનો અમારો પ્રયાસ છે. સમગ્ર યુરોપમાં લાખો લોકોમાં ક્રિકેટે લોકપ્રિયતા મેળવી. આ તો માત્ર શરૂઆત છે. આ અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો અને રમત શરૂ કરવાનો સમય છે.