Ahmedabad,તા.8
ભાવનગરની સિવિલ કોર્ટે વર્ષ 1993માં જમા કરાવેલી રૂ.5.85 લાખની રકમ પર 30 વર્ષનું વ્યાજ ચૂકવવાનો ઇનકાર કરતાં પરિવારના છ સભ્યોએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
મિલકત વિવાદ અંગે ભાવનગર કોર્ટમાં દાખલ સિવિલ કેસ દરમિયાન પરિવારના સભ્યોએ આ રકમ જમા કરાવી દીધી છે. જો કે, જ્યારે વર્ષ 2023 માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેસનો નિકાલ કરવામાં આવ્યો અને પરિવારે રકમ પરત માંગી, ત્યારે કોર્ટે માત્ર પાંચ વર્ષનું વ્યાજ ઓફર કર્યું. તેથી તેઓએ 30 વર્ષના સમગ્ર સમયગાળા માટે વ્યાજ આપવા માટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
કેસની વિગતો મુજબ, ત્રિલોક ભટ્ટ અને અન્ય લોકોએ HC સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ મિલકતના હક અંગે પરિવારના અન્ય સભ્યો સાથે સિવિલ કેસ લડી રહ્યા હતા. સિવિલ સુટની સુનાવણી દરમિયાન, 1993 માં પક્ષકારોએ મુદ્દાનું સમાધાન કર્યું અને કોર્ટના આદેશ મુજબ, પરિવારના એક વડીલ દ્વારા રૂ. 5.85 લાખની રકમ જમા કરવામાં આવી.
જો કે, તેઓ વચ્ચે વિવાદ થતા ફરીથી ગુજરાત હાઇકોર્ટ સુધી મુકદ્દમામાં સામેલ થયા હતા. અંતે, હાઈકોર્ટે વર્ષ 2023માં આદેશ જારી કર્યો અને નીચલી કોર્ટને વર્ષ 1993માં જમા થયેલી રકમ પરત આપવા જણાવ્યું.
જ્યારે ભટ્ટે ભાવનગર કોર્ટની એકાઉન્ટ શાખાનો સંપર્ક કર્યો ત્યારે કોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ દ્વારા ફિક્સ ડિપોઝીટ ન કરાવી હોવાથી તેમને મૂળ રકમ પર માત્ર પાંચ વર્ષનું વ્યાજ આપવામાં આવશે. ભટ્ટ પરિવારના વકીલે રજૂઆત કરી હતી કે કોર્ટના આદેશથી તેઓ દ્વારા રકમ જમા કરવામાં આવી હતી.
નિયમો અનુસાર, કોર્ટમાં જમા કરવામાં આવેલી કોઈપણ રકમ ફિક્સ ડિપોઝિટ દ્વારા બેંકમાં જમા કરાવવી જોઈએ. જો કે, સિવિલ કોર્ટની રજિસ્ટ્રીએ તેમ કર્યું ન હતું. તેથી, તેમને માત્ર પાંચ વર્ષ માટે વ્યાજ મળશે.
વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે તેમને 24 જૂન, 1993થી વ્યાજ મળવું જોઈએ કારણ કે કોર્ટના વહીવટીતંત્ર દ્વારા ફિક્સ ડિપોઝિટ હોવી જોઈએ. જો પક્ષકારે સ્વેચ્છાએ કોર્ટના ખાતામાં રકમ જમા કરાવી હોત તો એફડીની જરૂર ન હતી. પરંતુ સિવિલ કોર્ટના આદેશ મુજબ રકમ આપવામાં આવી હતી.
ત્યારબાદ હાઈકોર્ટે ભાવનગર કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ અને રજિસ્ટ્રાર જનરલને નોટિસ પાઠવી હતી અને આ મામલો 10 ફેબ્રુઆરીના રોજ સુનાવણી માટે રાખ્યો હતો. હાઈકોર્ટે ભટ્ટને રકમ જમા કરાવવા માટે કોર્ટ દ્વારા જારી કરાયેલ આદેશ રજૂ કરવા પણ કહ્યું હતું.