દેશના ઈક્વિટી સેકન્ડરી માર્કેટમાં ઓકટોબર મહિનાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જંગી વેચવાલી વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં પડેલા ગાબડાંને પરિણામે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનું માનસ ખરડાયું છે જેની અસર નવા ડીમેટ ખાતાના ઉમેરા પર જોવા મળી રહી છે.
૨૦૨૪ના ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ ૯૭.૭૦ લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા છે જે સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ ૨૬.૩૦ ટકા ઓછા છે અને છેલ્લા ચાર ત્રિમાસિકમાં સૌથી નીચો આંક છે, એમ પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૧.૩૨ કરોડ નવા ડીમેટ ખાતા ખૂલ્યા હતા. ડિસેમ્બરના અંતે કુલ ડીમેટ ખાતાની સંખ્યા ૧૮.૫૩ કરોડ રહી હતી, જે નવેમ્બરના અંતે ૧૮.૨૦ કરોડ ટન જોવા મળી હતી. ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષમાં ડીમેટ ખાતામાં કુલ ૪.૬૦ કરોડનો ઉમેરો થયો છે, જે ૨૦૨૩ના આંકમાં ૩૩ ટકા વધારો થયો છે.
ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં મોટું કરેકશન જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ ૭.૩૦ ટકા અને નિફટી ૮.૩૦ ટકા ઘટાડો થયો હતો, જે ૨૦૨૨ના જૂન ત્રિમાસિક બાદ સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો રહ્યો હતો.
અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન ટેરિફ વોર ઉપરાંત વેપાર ખોરવાઈ જવાના ભયે ભારતીય ઈક્વિટીસમાં વેચવાલી આવી હતી. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડવાના સંકેતે પણ વિદેશી રોકાણકારોનુંમાનસ ખરડાવ્યું છે.
ઘરઆંગણે કંપનીઓના નબળા પરિણામ તથા નબળી માગે પણ રોકાણકારોમાં નિરાશા ફેલાવી છે. દેશમાં અન્ય એસેટસની સરખામણીએ ઈક્વિટીસમાં સારુ વળતર મળી રહેતુ હોવાથી તાજેતરના વર્ષોમાં ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યામાં વધારો થતો જાય છે. સેકન્ડરી બજાર ઉપરાંત પ્રાઈમરી માર્કેટમાં પણ તેજીને પગલે રોકાણકારોનું આઈપીઓમાં પણ આકર્ષણ વધતું જાય છે.
કોરોનાની મહામારી બાદ દેશમાં ડીમેટ ખાતાની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ખાતા ખોલાવવામાં સરળતા વધી જતા રોકાણકારોનો ડીમેટ ખાતા ખોલાવવામાં પણ રસ વધી ગયાનું બજારના વર્તુળો માની રહ્યા છે. માર્ચ ૨૦૨૦માં ડીમેટ ખાતાની સંખ્યા જે ૪.૧૦ કરોડ હતી તે હાલમાં ચાર ગણાથી પણ વધુ જોવા મળી રહી છે.