Ahmedabad,તા.૯
રાજ્યમાં કરોડો રૂપિયાની ઠગાઈ કરનારા કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા અંગે સીઆઈડીના ઈન્ચાર્જ ડીઆઈજી પરીક્ષિતા રાઠોડએ પીડિતોના રૂપિયા પરત કરવા સખ્ત કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.
હાલ બીઝેડ કૌભાંડમાં તપાસ કરતા કુલ ૪૫૨ કરોડ રૂપિયાના હિસાબો મળ્યાં છે. મળતી માહિતી મુજબ એક અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ૬૦૦૦ કરોડ સુધીનું કૌભાંડ કરવામાં આવ્યું છે, જેથી તપાસના આધારે ૪૫૨ કરોડની રિકવરી થઈ છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જપ્ત કરેલી મિલકતો, રૂપિયા પીડિતોને પરત આપવા કોર્ટ નિર્ણય લેશે.
ડીઆઇજીએ જણાવ્યું કે ઝાલાને જૂનાગઢથી ઝડપ્યો હતો. કોને ત્યાં સંતાયો હતો, કયા કયા લોકો સંડોવાયા છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યારે પોલીસને તપાસ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસેથી મળેલા ચોપડાના આધારે ૧૧,૨૫૨ લોકો ભોગ બન્યા છે. જે તે ચોપડાની તપાસ કરવામાં આવી રહી છે. જો અન્ય લોકો પણ સામેલ હશે તો તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે પીડિતોને આશ્વાસન આપતા કહ્યું કે, ગુજરાત પોલીસ ૧૫ દિવસમાં જ કોર્ટ સમક્ષ ભોગ બનનારને જલ્દીથી નાણા મળી જાય તેવી અરજી કરીશું. અદાલતના નિર્ણય બાદ મેજીસ્ટ્રેટ કચેરીથી પૈસા પરત અપાવવામાં મદદ કરીશું.