California,તા.10
અમેરિકાનાં કેલિફોર્નિયાના લોસ એન્જેલસના જંગલમાં લાગેલી આગ રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે અને જે તસવીરો સામે આવી છે તે દર્શાવે છે કે આગનાં કારણે ભારે તબાહી મચી ગઈ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત થયાં છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાં છે. ઘાયલોમાં ફાયર ફાઈટર પણ સામેલ છે. આગને કારણે ઘણાં લોકોને તેમનાં ઘર છોડવાની ફરજ પડી હતી.
અમેરિકન ફિલ્મ ઉદ્યોગ માટે મહત્વની હોલીવુડ હિલ્સ પણ આગની ઝપેટમાં આવી છે, જેનાં કારણે ઘણાં હોલીવુડ કલાકારોને તેમનાં ઘર છોડવાની ફરજ પડી છે. ફિલ્મ ઉદ્યોગને લગતાં ઘણાં કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યાં છે અથવા રદ કરવામાં આવ્યાં છે.
આગ 45 ચોરસ માઈલથી વધુ પ્રસરી ગઈ છે અને લગભગ 179000 લોકોને સ્થળાંતર કરવાનાં આદેશો આપ્યાં છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, 13000 થી વધુ ઇમારતો બળી ગઈ છે અને 60000 થી વધુ ઇમારતો જોખમમાં છે.
આગને કારણે એલએ શહેરનાં પોશ વિસ્તાર પાલિસેડ્સમાં ઘણાં હોલીવુડ સ્ટાર્સના બંગલાઓ પણ બળીને ખાખ થઈ ગયાં છે. પેરિસ હિલ્ટન સ્ટીવન સ્પીલબર્ગ મેન્ડી મૂર , એગ્ટન કુચર સહિત ઘણાં હોલીવુડ સ્ટાર્સના ઘર બળીને રાખ થઈ ગયાં છે. પેરિસ હિલ્ટનનું ઘર 72 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યું હતું. ઘણી સેલિબ્રિટીઓએ પણ પોતાનું ઘર છોડવું પડ્યું છે.
બીબીસીના જણાવ્યાં અનુસાર , કેલિફોર્નિયામાં જે રીતે આગ ફેલાઈ રહી છે તેનાં કારણે અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઓળખ ’હોલીવુડ બોર્ડ ’ હોલીવુડની હિલ્સની વચ્ચે સળગી જવાનાં જોખમમાં છે. ખરેખર એલએમાં હોલીવુડ નામની એક જગ્યા છે, અમેરિકન ફિલ્મ ઉદ્યોગનું નામ તેનાં નામ પરથી રાખવામાં આવ્યું છે.
લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે લગભગ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર જવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રશાસને શહેરમાં ઈમરજન્સી જાહેર કરી છે અને શનિવાર સુધી તેનાં ફેલાવાની ચેતવણી આપી છે.
વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનું ઘર પણ ખાલી કરાવવામાં આવ્યું
આગને કારણે, લોસ એન્જલસના બ્રેટનવુડ વિસ્તારમાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનું ઘર પણ ખાલી કરાવવાની સૂચના આપવામાં આવી છે. એલએએ અમેરિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં 1 કરોડથી વધુ લોકો રહે છે. કેલિફોર્નિયામાં લાગેલી આગ પર હેલિકોપ્ટર અને પ્લેન વડે કાબૂ મેળવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે,
પરંતુ જોરદાર પવન અને તેની બદલાતી દિશાને કારણે આગ અલગ – અલગ જગ્યાએ ફેલાઈ રહી છે . આગને ઓલવવા માટે લગભગ 7500 ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યાં છે.
રેસ્ક્યુ ટીમ હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે. શાળાઓ, સામુદાયિક કેન્દ્રો અને અન્ય સુરક્ષિત સ્થળોને ઈમરજન્સી આશ્રયસ્થાનોમાં ફેરવી દેવામાં આવ્યા છે. સ્થિતિ એવી છે કે ફાયર હાઇડ્રેન્ટ્સ એટલે કે અગ્નિશામક સાધનો ઘણી જગ્યાએ સુકાઈ ગયાં છે તેમની પાસે પાણી રામાપ્ત થઈ ગયું છે.
લોસ એન્જલસમાં આલીશાન ઘરોમાં લૂંટની શરૂઆત : પોલીસે ચેતવણી આપી
હોલીવુડ માટે વિશ્વભરમાં જાણીતું અમેરિકન શહેર લોસ એન્જલસ સૌથી મોટી તબાહીનો સામનો કરી રહ્યું છે. જંગલમાં લાગેલી આગથી શહેરનાં મોટા ભાગનો નાશ થયો
છે. દરમિયાન વિશ્વનાં સૌથી મોંઘા મકાનો ધરાવતાં આ શહેરમાં લૂંટની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસે 20 ની ઘરપકડ કરી છે.
અમેરિકાનાં કેલિફોર્નિયા રાજ્યનાં જંગલોમાં લાગેલી આગમાં લોસ એન્જલસ શહેરનો મોટો હિસ્સો બળીને રાખ થઈ ગયો છે. આગમાં મોટી સંખ્યામાં ઘરો, શાળાઓ અને ધાર્મિક સ્થળો બળીને રાખ થઈ ગયાં છે. અધિકારીઓએ કહ્યું કે બે દિવસ પછી પણ લોસ એન્જલસ શહેરમાં લાગેલી આગ કાબૂમાં આવી નથી. આગ સતત વધી રહી છે. અધિકારીઓએ અત્યાર સુધીમાં 8 મોતની પુષ્ટિ કરી છે અને આ સંખ્યા વધી શકે છે. આ દરમિયાન, આગથી લપેટાયેલા શહેરમાં લૂંટફાટ શરૂ થઈ હોવાનાં અહેવાલો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને તેને લોસ એન્જલસના ઈતિહાસની સૌથી વિનાશક આગ ગણાવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરની પશ્ચિમ બાજુએ સાન્ટા મોનિકા અને માલિબુ વચ્ચેની પાલિસેડ્સ આગ અને પૂર્વમાં પાસાડેના નજીક ઇટોન આગથી અત્યાર સુધીમાં લગભગ 30000 એકર વિસ્તાર બળી ગયો છે અને સમગ્ર વિસ્તાર રાખ થઈ ગયો છે
પોલીસે જણાવ્યું કે લૂંટારુઓ ખાલી મકાનોને નિશાન બનાવી રહ્યાં છે. આગને કારણે હજારો રહેવાસીઓએ તેમનાં ઘરો ખાલી કર્યા હોવાથી, લૂંટારાઓએ ખાલી પડેલાં ઘરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. લૂંટની ઘટનાઓ એટલી વધી ગઈ કે અધિકારીઓને ચેતવણી આપવી પડી હતી. એલએ કાઉન્ટીના અધિકારી કેથરીન બાર્ગરને જણાવ્યું કે, ’કટોકટીની વચ્ચે, અમે બધાએ એવાં લોકોને જોયા છે જેઓ ઘરફોડ ચોરી અને લૂંટફાટ કરી રહ્યાં છે.
તેણીએ કહ્યું કે પોલીસે અત્યાર સુધીમાં 20 ધરપકડ કરી છે. અધિકારીઓએ કહ્યું છે કે આગમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયાં છે અને હજારો ઈમારતો નાશ પામી છે. લગભગ 180000 લોકોને તેમનાં ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લોસ એન્જલસ કાઉન્ટીના ફાયર ચીફ એન્થોની મેરોને જણાવ્યું હતું કે ઇટોન આગ મોટાભાગે વધતી અટકાવવામાં આવી છે, જોકે તે હજુ પણ આગ ભીષણ છે. આ દરમિયાન, સપ્તાહની શરૂઆતમાં 160 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ થોડી ધીમી પડી છે, જેનાથી જમીન પરના ક્રૂને હવાનો ટેકો મળી રહ્યો છે.
મંગળવાર અને બુધવારની તુલનામાં સ્થિતિ સારી છે, પરંતુ અધિકારીઓએ ચેતવણી આપી હતી કે સમગ્ર દિવસ દરમિયાન 95 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને રહેવાસીઓએ સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવું જોઈએ.