Mumbai, તા.10
ભારતમાં ગયા વર્ષે (2024) રૂા.40 કરોડથી વધુની કિંમતના 59 અલ્ટ્રા-લકઝરી મકાનોનું વેચાણ થયું છે. આ વૈભવી મિલ્કતોના વેચાણનો કુલ આંકડો રૂા.4,754 કરોડ થયો હતો. જે 2023ની તુલનામાં 17 ટકા વૃધ્ધિ દર્શાવે છે 2024માં વેચાયેલા 59 અતિવૈભવી રહેઠાણોમાંથી 17 રહેઠાણોનો સોદો રૂા.100 કરોડ કે તેથી વધુ કિંમતે થયો હતો.
એનારોક ગ્રુપના અહેવાલમાં જણાવ્યા અનુસાર 2024માં કુલ 59 અલ્ટ્રા-લકઝરી રહેઠાણોમાંથી રૂા.100 કરોડથી વધુના 17 રહેઠાણોનું કુલ મુલ્ય રૂા.2,344 કરોડ હતું. જયારે 2023માં કુલ 58 વૈભવી રહેઠાણનું કુલ વેચાણ મૂલ્ય રૂા.4,063 કરોડ હતું. 2024માં કુલ 59માંથી 53 રહેઠાણ એપાર્ટમેન્ટસ હતા. બંગલાના માત્ર છ સોદા થયા હતા. ગયા વર્ષે થયેલા રૂા.100 કરોડ કે વધુના 17 સોદામાં 16 સોદા મુંબઈ અને એક દિલ્હી-એનસીઆર (ગુરૂગ્રામ)માં થયો હતો. બાવન અલ્ટ્રા-લકઝરી રહેઠાણના સોદા સાથે મુંબઈ મોખરે રહ્યું હતું.
જે દેશના કુલ સોદાનો 88 ટકા હિસ્સો છે. દિલ્હી-એનસીઆર ખાતે ગુરૂગ્રામમાં અલ્ટ્રા લકઝરી રહેઠાણના ત્રણ સોદા થયા હતા. જયારે એક સોદો દિલ્હીમાં થયો હતો. હૈદરાબાદ અને બેંગલુરૂમાં રૂા.40 કરોડના એક એવા બે સોદા થયા હતા. એનારોક ગ્રુપના અનુજ પુરીએ જણાવ્યું હતું કે ‘સોદાની સંખ્યા અને તેમના એકંદર વેચાણ મૂલ્યમાં વાર્ષિક વૃધ્ધિ અગ્રણી શહેરોમાં અતિવૈભવી રહેઠાણો માટેની પ્રોત્સાહક માંગ તરફ ઈશારો કરે છે.
મહામારી પછી લકઝરી અને અલ્ટ્રા લકઝરી પ્રોપટીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. હાઈ નેટવર્થ ઈન્ડિવિજયુઅલ્સ (એચએનઆઈ) અને અલ્ટ્રા-એચએનઆઈ વ્યકિતગત વપરાશ, રોકાણ અથવા બંને હેતુ માટે આવા રહેઠાણ ખરીદી રહ્યા છે.
દેશભરમાં રહેઠાણોના ભાવ વધી રહ્યા છે ત્યારે બજારમાં આ મહત્વનો ટ્રેન્ડ હિસ્સો છે’. 2024માં રહેઠાણોના સોદાની સંખ્યામાં 2023ની તુલનાએ માત્ર એકનો વધારો થયો હતો, પણ સમાન ગાળામાં સોદાનું મૂલ્ય 17 ટકા વધ્યું હતું.