Vadodara,તા.10
પાર્થ વત્સ અને નિશાંત સિંધુના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી હરિયાણાએ બંગાળને 72 રનથી હરાવી વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પાર્થ અને નિશાંતે 93 બોલમાં 84 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. 20 વર્ષીય પાર્થે પોતાની ઈનિંગમાં 77 બોલમાં છ ચોગ્ગા ફટકાર્યા હતાં.
જ્યારે નિશાંતે 67 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. નીચલા ક્રમમાં એસપી કુમારના 32 બોલમાં 41 રનની મદદથી હરિયાણા 50 ઓવરમાં નવ વિકેટે 298 રન બનાવવામાં સફળ રહ્યું હતું.
ભારતનાં અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી પરંતુ તે પોતાની ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. ટૂર્નામેન્ટની પોતાની ત્રીજી મેચ રમી રહેલાં શમીએ ઓપનર હિમાંશુ રાણા, વિકેટકીપર દિનેશ અને બોલિંગ ઓલરાઉન્ડર અંશુલ કંબોજને સસ્તામાં આઉટ કર્યા હતાં.
જોકે, બંગાળની ટીમ ટાર્ગેટનો પીછો કરવામાં નિષ્ફળ રહી અને 43.1 ઓવરમાં 226 રનમાં ઓલઆઉટ થઈ હતી. શમી ભલે ટીમને ક્વાર્ટર ફાઇનલમાં ન લઈ જઈ શક્યો, પરંતુ તેણે બોલિંગમાં 10 ઓવરમાં 61 રન આપીને પોતાની ફિટનેસ સાબિત કરી દીધી હતી.
તેનાં આ પ્રદર્શનથી તેને લાંબા સમય બાદ ઈંગ્લેન્ડ સામે આગામી વનડે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં જગ્યા બનાવવામાં મદદ મળી શકે છે. શનિવારે યોજાનારી ક્વાર્ટર ફાઇનલમાં હરિયાણાનો સામનો ગુજરાત સાથે થશે. અન્ય બે ક્વાર્ટર ફાઈનલ કર્ણાટક અને બરોડા અને મહારાષ્ટ્ર અને પંજાબ વચ્ચે રમાશે.
અભિજીતની સદીનાં કારણે રાજસ્થાનનો વિજય
ઓપનર અભિજીત તોમરની શાનદાર સદીની મદદથી રાજસ્થાને વિજય હજારે ટ્રોફીના ઈતિહાસમાં પ્રથમ વખત તમિલનાડુ પર જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તોમરે કોટામણી સ્ટેડિયમમાં 125 બોલમાં 111 રનની ઇનિંગ રમી હતી. જોકે, રાજસ્થાન 47.3 ઓવરમાં 267 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ સામેની ટીમનાં ખેલાડીઓની મુશ્કેલીઓ વધારી હતી અને તમિલનાડુ માટે પાંચ વિકેટ લીધી હતી પરંતુ તેમનું એકલું પ્રદર્શન ટીમને જીત તરફ લઈ જવા માટે પૂરતું ન હતું.
ચક્રવર્તીએ પણ બોલ સાથે યોગદાન આપ્યું કારણ કે બીજા છેડે વિકેટો પડતી રહી અને તે છેલ્લો ખેલાડી હતો જે આઉટ થયો હતો, જેણે તમિલનાડુને 47.1 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.