પૂર્વના વિસ્તારમાં પોલીસ તંત્રએ ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ દોરીના પ્રતિબંધની અમલવારી શરૂ કરી
Ahmedabad, તા.૧૧
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે મનગમતા પતંગ અને દોરી ખરીદવા માટે છેલ્લો શનિ-રવિ આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં થનારા ધસારાનો લાભ લઇ લેભાગુ તત્વો કમાણી કરી લેવાના ઇરાદે માનવી અને પશુ-પક્ષી માટે જીવલેણ બનતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ દોરી વેચવા સક્રિય ન થાય એ માટે પૂર્વના વિસ્તારમાં પોલીસ તંત્રએ ખાસ અભિયાન શરૂ કર્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે દિવસમાં જ ચાઇનીઝ અને ગ્લાસ કોટેડ દોરીનો ખાનગીમાં વેપલો કરનારા ૩૪ લોકો સામે કેસ કરી કાર્યવાહી કરાઈ છે. શહેર પોલીસ કમિશનરના જાહેરનામા તથા હાઇકોર્ટના આદેશ મુજબ પોલીસે ચાઇનીઝ સાથે ગ્લાસ કોટેડ માંજાનું ખરીદ, વેચાણ અને ઉપયોગ કરનારા તત્વોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એક તરફ હવે પતંગ ચગાવવા માટે ઉત્તરાયણ પહેલાનો છેલ્લો શનિવાર રવિવાર હોવાથી. બાપુનગર, વટવા, શાહીબાગ, કૃષ્ણનગર, નરોડા, દાણીલીમડા તથા કાગડાપીઠ સહિતના વિસ્તારોમાં ઠેકઠેકાણે ચાઇનીઝ અને ગ્લાસ કોટેડ દોરીને ખુલ્લેઆમ વેપલો શરૂ થઇ ગયો છે. આ દોરા ટુવ્હીલર કે સાયકલ પર જતાં કોઇના ગળામાં આવી જાય તો જીવલેણ ઇજા અથવા મૃત્યુ થવાની ઘટનાઓ બનતી રહે છે. આ પ્રકારના મોતનો સામાન વેચનાર વેપારીઓ પર પોલીસે છેલ્લા બે દિવસમાં તવાઈ બોલાવીને કુલ ૩૪થી વધુ કેસ કરીને આરોપીને જેલના સળિયા ગણતા કરી દીધા છે. ત્યારે જીવલેણ ચાઇનીઝ દોરી વેચનારા લોકોને પોલીસે ખૂણેખાંચરેથી શોધીને ધરપકડ કરવાનો દોર શરૂ કરી દીધો છે.શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ શી ટીમ દ્વારા વિદ્યાર્થીઓ મારફતે વાલીઓ સુધી વાત પહોંચાડવા માટે વિસ્તારની વિવિધ શાળાઓ-કોલેજોમાં સી ટીમ દ્વારા જઇને જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. શી ટીમ દ્વારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતી સ્કૂલ અને કોલેજમાં જઈને કેમ્પ કરવામાં આવે અને ચાઇનીઝ દોરીથી મનુષ્ય અને પ્રાણી તથા પક્ષીને કેટલું નુકસાન થતું હોય છે. આ જીવલેણ દોરીથી કેટલા લોકો અત્યાર સુધીમાં મોતને ભેટ્યા હોવાની માહિતી શી ટીમની મહિલા પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે.