Ahmedabad,તા.13
ગુજરાતમાં એકતરફ ભાજપના સંગઠનમાં જીલ્લા મહાનગરના 41 પ્રમુખોના નામો અંગે જબરુ સસ્પેન્સ છે અને આ નામો ગમે ત્યારે જાહેર થાય કે પછી વિલંબમાં પડયા છે તેની ચર્ચા છે તે સાથે હવે ક્મુરતા પુરા થતા જ ફરી એક વખત મંત્રીમંડળના પુનરચનાની ચર્ચા શરૂ થઈ છે અને તેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મુખ્યમંત્રીને મળવા પહોંચીને હવે તેમના સમાજને મંત્રીમંડળમાં માનભર્યા સ્થાનની રજુઆત કરતા ચર્ચા વધુ વેગવાન બની છે.
ગુજરાતમાં મંત્રીમંડળ પુન:રચના એ લાંબા સમયથી ચર્ચામાં છે. અને બોર્ડ નિગમોમાં પક્ષના કાર્યકર્તાઓથી લઈને જેઓ ધારાસભ્ય બનવામાં વંચિત રહ્યા છે. તે ઉપરાંત અનેક ધારાસભ્યો પણ બોર્ડનિગમમાં ચેરમેન સહિતના પદો પર બેસવા આતુર છે. તેઓને તો ચાર-પાંચ વર્ષની રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. 26થી વધુ બોર્ડ નિગમમાં ભૂતકાળમાં રાજકીય નિયુક્તિમાં થઈ છે.
પણ છેલ્લે કયારે આ પ્રકારે સામુહિક નિયુક્તિ થઈ તે ગુગલ કરવુ પડે તેવી સ્થિતિ છે તો મંત્રીમંડળને પણ ભૂપેન્દ્ર પટેલ સરકારે પ્રથમ અને બીજી ટર્મમાં મર્યાદીત રાખ્યા બાદ 156 ઉપરાંત કોંગ્રેસના પાંચ અને હવે વાવ બેઠક પણ ભાજપના ખાતામાં આવી છે.
આમ 162 સભ્યો અને બે-ત્રણ અપક્ષો પણ સરકારની સાથે છે. આવી પ્રચંડ બહુમતીથી ભાજપને હવે થોડા ઘણા અસંતોષ પરવા નથી તેવું ધારાસભ્યોના વર્તુળોમાં ચર્ચાય છે અને આ વચ્ચે કમુરતા એ તેમની આશા માટે શેરબજારની ભાષામાં કહીએ તો ‘સપોર્ટ’ હતો તે નજીક આવતા હવે ફરી ચર્ચા શરૂ થઈ છે.
ખાસ કરીને અમરેલી ઘટનાએ ડેમેજ કંટ્રોલની કોઈ સીસ્ટમ જ નથી તે નિશ્ચિત થયુ છે. અનેક મંત્રીઓની કામગીરીમાં પ્રશ્ર્નો છે અને તમામ ભાટ મુખ્યમંત્રી પર આવી ગયા છે. હવે સંગઠન નવરચના અને પ્રદેશ પ્રમુખની નિયુક્તિ પણ હવે આગામી સપ્તાહમાં આગળ વધશે અને તે બાદ મંત્રીમંડળની પુનરચના હાથ પર લેવાઈ શકે છે અને તેમાં ગઈકાલે રાજપૂત સમાજના અગ્રણીઓ જેમાં ક્ષત્રિય આંદોલનના અગ્રણીઓ રમજુભા જાડેજા અને તૃપ્તીબા રાઓલ પણ હતા. તેઓએ સ્વીકાર્યુ કે સમાજ વતી સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન માટે રજુઆત કરાઈ છે.
તેઓએ કહ્યું કે પરસોતમ રૂપાલા પ્રકરણ હવે પુરૂ થઈ ગયુ છે. અમારે રાજકારણ સાથે કઈ લેવા દેવા નથી. પંચાયત ચુંટણીમાં કોને મત આપવો એ સમાજના લોકો સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. આમ ક્ષત્રિય સમાજનું વલણ હવે પણ ભાજપ સાથે ટકકર નહીનુ લીધુ હોવાનું માનવું છે અને તેથી સરકાર તરફથી પણ ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓ જે ભાજપમાં છે. તેઓને મંત્રીમંડળમાં સારા સ્થાને જવાબદારી આપવાની વિચારણા થશે.
વડોદરામાં પ્રમુખ વિજય શાહે ફરી કાર્યાલય ખોલી નાંખતા રીપીટ થવાનો સંકેત : MLA યોગેશ પટેલે વિરોધ કર્યો
► ભાજપના મહાનગર-જિલ્લા પ્રમુખોની જાહેરાતોનું કાઉન્ટ ડાઉન શરૂ : દીવ, દાદરાનગર હવેલીના નામ જાહેર : પ્રદેશ પ્રમુખ નકકી કરવા તા. 1પ-16 ભુપેન્દ્ર યાદવ આવે છે તે પૂર્વે યાદી જાહેર થઇ જશે
આવતીકાલથી ત્રણ દિવસ માટે અમિત શાહ ગુજરાતમાં : પાટીલ પણ હાલ રાજયમાં જ છે : આગામી સપ્તાહ ગુજરાત ભાજપના સંગઠનની દ્રષ્ટિએ મહત્વનું
ગુજરાત ભાજપની સંગઠન નવરચનામાં હવે જિલ્લા અને મહાનગરના 41 પ્રમુખોના નામોની ગમે ત્યારે જાહેરાત થાય તેવા સંકેત છે અને ત્યારબાદ ઉત્તરાયણ પછી તુર્ત જ પ્રદેશ પ્રમુખનું નામ પણ નિશ્ચિત થઇ જશે તે વચ્ચે દીવ અને દાદરાનગર હવેલીના શહેર અને જિલ્લા પ્રમુખોના નામ જાહેર થતા જ હવે અન્ય જિલ્લા અને મહાનગરોમાં ઉત્સુકતા વધી ગઇ છે અને આજે અથવા આવતીકાલ સુધીમાં નવા નામોની જાહેરાત થઇ જશે તેવા સંકેત છે.
બીજી તરફ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ નકકી કરવા માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુકત થયેલા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ તા.15 અને 16 ગુજરાત આવી રહ્યા છે અને તેઓની વિદાય બાદ તુર્ત જ દિલ્હીથી ભાજપના પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તેવી શકયતા છે આમ હવે આગામી એક સપ્તાહ ગુજરાતમાં પોલીટીકસની દ્રષ્ટિએ ભાજપમાં જબરૂ ઉત્સુકતાનો સમય બની રહે તેવી ધારણા છે. દીવ જિલ્લા પ્રમુખનું નામ જાહેર થયું છે. જેમાં વર્તમાન પ્રમુખ મોહનભાઇ લક્ષ્મણની પસંદગી કરવામા આવી છે તેમને રીપીટ કરવામાં આવ્યા છે. જયારે દાદરાનગર હવેલીના ત્રણ જિલ્લાના પ્રમુખના નામ પણ જાહેર થયા છે. જેમાં સેલવાસમાં શહેર જિલ્લા પ્રમુખ તરીકે શાંતુભાઇ પુજારી, સેલવાસ ગ્રામીણ પ્રમુખ તરીકે દિપકભાઇ પ્રધાન અને ખાનવેલ જિલ્લા પ્રમુખ તરીકે યશવંત ગુટયાનુ નામ જાહેર થયું છે.
આ દરમ્યાન વડોદરામાં રસપ્રદ સ્થિતિ સર્જાય હોય તેવા સંકેત છે. આ મહાનગરમાં રાજકોટની માફક શહેર પ્રમુખ અંગે જબરો વિવાદ સર્જાયો હતો અને કેટલાક અનિચ્છનીય આક્ષેપો પણ થયા હતા તે વચ્ચે વિદાય લેતા પ્રમુખ વિજય શાહે ફરી એક વખત પોતાનું પ્રમુખ તરીકેનું કાર્યાલય શરૂ કરી દીધુ હોવાના સંકેત છે અને તેના પ્રત્યાઘાત હાલ કુંભમાં ગયેલા ધારાસભ્ય યોગેશ પટેલે આપ્યો છે. આમ નામ જાહેર થાય તે પૂર્વે વડોદરામાં જબરી બબાલ સર્જાય છે તો રાજકોટમાં પણ હવે મોવડી મંડળ કઇ રીતે સમગ્ર ઇસ્યુ હેન્ડલ કરે છે તેના પર નજર છે. એ ઉલ્લેખનીય છે કે આવતીકાલે કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાત આવી રહ્યા છે અને તેઓ પણ સંગઠન માટે બેઠક બોલાવે તેવી શકયતા છે.