Vadodara,તા.૧૩
ભાજપની ગણતરી શિસ્તબદ્ધ પાર્ટી તરીકે થાય છે. બાહુબલી ફિલ્મના ‘મેરા વચન હી હૈ શાસન’ ડાયલોગની જેમ પાર્ટી હાઈકમાન્ડથી જે આદેશ છુટે છે, તેને નેતાઓ માને છે અને પાળે છે. પરંતુ લોકસભાની ચૂંટણી બાદથી પાર્ટીની અંદરની સ્થિતિ બદલાઈ છે. ભાજપમાં આંતરિક ખેંચતાણ, બળવાખોરીએ માથું ઉંચક્યું છે. પાર્ટીના મેન્ડેટના આદેશથી વિરુદ્ધ જઈને ચૂંટણી લડનાર જયેશ રાદડિયાનો કિસ્સો ઈફ્કોવાળી તરીકે ગુજરાતના રાજકારણમાં ચર્ચાતો કિસ્સો બન્યો છે. ભાજપે પોતાના આદેશ માટે મેન્ટેડ પ્રથા શરૂ કરી હતી, પરંતું હવે આ જ પ્રથા માથાનો દુખાવો બની છે. મેન્ટેડમાં ભાજપની આબરુ ધૂળધાણી થઈ રહી છે. ગુજરાતની અનેક સહકારી સંસ્થામાં હવે ઈફકોવાળી થઈ રહી છે.
ગુજરાતમાં અનેક સહકારી સંઘ, જિલ્લા સહકારી બેંક, એપીએમસીમાં જ્યાં ભાજપનુ શાસન છે ત્યાં નેતાઓ ભાજપ હાઈકમાન્ડનો આદેશ માનવા તૈયાર નથી. આ કારણ હવે પાર્ટી વિરોધી સૂર ઉઠ્યો છે. આદેશ વિરુદ્ધ બળવાખોરી થઈ રહી છે. તો અનેક નેતાઓ મેન્ડેટના આદેશને નકારી રહ્યાં છે. મેન્ટેડની વિરુદ્ધમાં જઈને નેતાઓ ચૂંટણીમાં ઉતરી રહ્યાં છે. જે બતાવે છે કે, શિસ્તબદ્ધ પાર્ટીમાં શિસ્ત જેવું કંઈ રહ્યું નથી. ભાજપની મેન્ડેટ પ્રથાના ચીંથરા ઉડ્યા છે.
ઈક્ફોથી શરૂ થઈને ગુજરાતના અનેક શહેરોમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપના બળવાખોરો મેદાને પડ્યા હતા. અનેક સહકારી ક્ષેત્રોમાં ભાજપના બે જૂથ પડીને સામસામે ચૂંટણી લડે છે. ત્યારે હવે મેન્ડેટ ભાજપના નેતાઓ માટે ગળામાં ફસાયેલા હાડકાની જેમ બન્યો છે. મેન્ટેડ પ્રથાની ધરાર અવગણના થઈ રહી છે. જે બતાવે છે કે, નેતાઓ પાર્ટીનો આદેશ માનવા તૈયાર નથી. જો પાર્ટીનો આંતરિક વિવાદ આવી રીતે જ વધતો જશે તો ભાજપ માટે આગળનો સમય કપરો બની રહેશે.
ઇફ્કો ચૂંટણીને લઈને ભાજપમાંથી બિપીન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. જયેશ રાદડીયાએ ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ જઈને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી ઇફકોની ચૂંટણીમાં બિપિન ગોતા પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો. દિલ્હીમાં ઇફ્કોની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. સહકારી આગેવાન જયેશ રાદડિયા ૧૦૦ થી વધુ સૌરાષ્ટ્રના મતદારોને લઈને દિલ્હીમાં પહોંચ્યા હતા. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડીયાને ૧૦૦ થી વધુ મત મળે તેવી શક્યતા હતી, પરંતુ જયેશ રાદડિયાને ૧૧૪ જેટલા મત મળ્યા હતા અને તેમની જીત થઈ હતી.
ભાજપે જયેશ રાદડિયા પાસેથી મંત્રીપદ લઈ લીધા બાદ લોકસભામાં ટિકિટ આપશે તેવી આશા હતી. તેઓએ પોરબંદરથી તૈયારીઓ પણ કરી લીધી હતી પણ આખરે માંડવિયાનું નામ ભાવનગરને બદલે પોરબંદરથી ખૂલ્યું અને રાદડિયાનાં સપનાં ચૂર ચૂર થઈ ગયા હતા. ઈફ્કોમની ચૂંટણીમાં ભાજપે બિપિન પટેલના નામનો મેન્ડેટ જાહેર કરતાં રાદડિયાએ ભાજપ સામે જ બળવો કરીને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમજ રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચવાના કારણે હવે ઇફ્કો ડિરેક્ટરની ચૂંટણી ચર્ચાસ્પદ બની હતી.