Gujarat,તા.15
ગુજરાતભરમાં પતંગરસિકો ઉત્તરાયણના તહેવારની મોજ માણી રહ્યા છે, આ દરમિયાન પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મહેસાણા સહિતના જિલ્લામાં દોરી વાગવાની અલગ-અલગ ઘટનામાં ઘણાં બધાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલાક પરિવારે પોતાના સદસ્યને ગુમાવ્યા છે. તહેવાર દરમિયાન ગળુ કપાવાની ઘટનામાં પાંચ વર્ષના બાળક મહિલા સહિત 6ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
હાલોલમાં પાંચ વર્ષના બાળકનું ગળુ કપાતા મોત
પંચમહાલના હાલોલના પાનોરમા ચોકડી પાસે પાંચ વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું. કુણાલ નામનો બાળક પોતાના પિતા સાથે બાઇક પર ફુગ્ગા લેવા ગયો હતો. જ્યાં અચાનક એક પતંગની દોરી આડી આવતાં બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દોરી વાગતાં જ પિતા તાત્કાલિક તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું. તહેવાર ટાણે પોતાના પાંચ વર્ષના વ્હાલસોયાને ગુમાવવાના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી. જો પોલીસ તપાસ ચાઈનીઝ દોરીથી બાળકનું મોત થવાનું સામે આવશે તો પ્રતિબંધિત દોરી ક્યાંથી આવી તેને લઈને તપાસ કરાશે.
રાજકોટમાં દોરી વાગતા યુવકનું મોત
રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી ચાલી રહી છે, ત્યારે દોરી કપાવાથી ગંભીર ઈજા અને મોતના બનાવની ઘટના સામે આવે છે. જેમાં રાજકોટના કુવાડવા રોડ પસાર થઈ રહેલા યુવકના ગળા દોરી ફસાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બાઈક ચાલકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જતી વખતે યુવકનું મોત નીપજ્યું હતું.
સુરેન્દ્રનગરના પાટડીના યુવકનું ગળુ કપાતા મોત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ઓડુ ગામના ઈશ્વર ઠાકોર નામનો યુવક પતંગની દોરીના ભોગ બન્યો હતો. જેમાં ઈશ્વરના ગળાના ભાગે દોરી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. દોરી વાગતાની સાથે ઈશ્વરને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ તેને દમ તોડી નાખ્યો હતો.
વડોદરામાં દોરી વાગતા મહિલાનું મોત, એકને 30 ટાંકા આવ્યા
ઉત્તરાયણના તહેવારમાં દોરી વાગવાના બનાવો સામે આવે છે, ત્યારે વડોદરાના કરજણ, પાદરા, છાણી સહિતના વિસ્તારોમાં દોરીથી ગંભીર ઈજાઓ પહોંચ્યાના છ ઘટનાઓ સામે આવી છે. જેમાં છાણીમાં દોરી વાગવાથી મધુરી પટેલ (ઉં.વ. 35)નું મોત નીપજ્યું હતું. જ્યારે પાદરામાં કરખડી ગામના યુવકનું પતંગની દોરીથી ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને ગળાના ભાગે 30 ટાંકા આવ્યા હતા. દોરીથી ગંભીર ઈજા પહોંચ્યાની અન્ય એક ઘટના કરજણથી સામે આવી હતી. જેમાં એક બાઈક સવાર નેશલન હાઈવે 48 પરથી પસાર થતી વખતે ગળાના ભાગે દોરી ફસાઈ હતી. બાઈક સવારને ગંભી ઈજા થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલવાયો હતો. જ્યારે વડોદરા શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાના ચિંતન પટેલ નામના યુવકને પતંગની દોરીથી ઈજા પહોંચી હતી. આ પછી યુવકને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં મોકલવાયો હતો.
મહેસાણાના વડનગરમાં કામ કરીને ઘરે આવતા બાઈક સવારનું મોત
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વડબાર ગામના માનસાજી ઠાકોર (ઉં.વ. 35) કામ અર્થે વડનગર ગયા હતા. આ પછી માનસાજી પોતાનું કામ પતાવીને બાઈક પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગળાના ભાગે દોરી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. માનસાજીને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ભાવનગરમાં દોરી વાગતા ત્રણ વર્ષની બાળકીને ગંભીર ઈજા, એકનું મોત
ભાવનગરમાં પતંગની દોરી વાગવાની બે અલગ-અલગ ઘટનામાં એકનું મોત અને એકને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાં જાનવી બારૈયા નામની ત્રણ વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે નિકુલ પરમાર નામના શખ્સને ગળાના ભાગે દોરી બેસી જતા ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈને નિકુલને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
કડીના 22 વર્ષીય યુવતીનું ગળુ કપાતા આવ્યા ચાર ટાંકા
કડીના કરણનગર વિસ્તારમાં આવેલી ફાર્મા કંપનીમાં નોકરી કરતી હેમાની પંડ્યા (ઉં.વ.22) નામની યુવતીને ઉત્તરાયણની પૂર્વસંધ્યાએ પતંગની દોરીથી ગંભીર ઈજા પહોંચી હતી. યુવતી એક્ટિવા પર પોતાના ઘરે પરત ફરી રહી હતી, આ દરમિયાન અચાનક પતંગની દોરી ગળાના ભાગે વાગતા ગળુ કપાયું હતું. ઘટનાને પગલે યુવતીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને ગળાના ભાગે ચાર ટાંકા આવ્યા હતા.
108 એમ્બ્યુલન્સને આવ્યા 3700થી વધુ ઈમરજન્સી કોલ
રાજ્યમાં આજે મંગળવારે ઉત્તરાયણ દરમિયાન દોરી વાગવાના બનાવને ધ્યાનમાં રાખીને 108 એમ્બ્યુલન્સ સહિતની સેવા કાર્યરત હતી. ઉત્તરાયણના તહેવારમાં 108 એમ્બ્યુલન્સને સાંજ 6 વાગ્યાથી સુધીમાં કુલ 3700થી વધુ ઈમરજન્સી કોલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેમા રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 732, સુરતને 320, રાજકોટને 235, વડોદરાને 234, ભાવનગરને 157, પંચમહાલને 134, દાહોદને 130, ગાંધીનગરને 118 કોલ મળ્યા હતા.