Rajkot, તા. 15
નવનિયુકત મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા ભરૂચ કલેકટર તરીકે બે વર્ષ કરેલા સફળ પ્રયોગની જેમ જ રાજકોટ મહાનગરના લોકો માટે પણ આવતીકાલથી વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આજે કમિશ્નર વિભાગ બાજુમાં જ જીએડી વિભાગમાં વિઝીટર ડેસ્ક શરૂ કરીને કમિશ્નર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. દર સોમ અને ગુરૂવારે લોકો સાંજે 3 થી 5 દરમ્યાન લોકો તેમની ફરિયાદ અંગે નોંધણી કરાવી શકશે અને કમિશ્નરને અરજદાર મળે ત્યાં સુધીમાં કમિશ્નર પાસે ફરિયાદના પુરા કેસની વિગત ‘ડેશબોર્ડ’માં તેમની ચેમ્બરમાં જ ઉપલબ્ધ રહેશે.
કમિશ્નરે આજે આ મહત્વની વ્યવસ્થા લાગુ કરતા કહ્યું હતું કે, રજીસ્ટ્રેશન સાથે અરજદારની ફરિયાદની વિગત, પત્ર, કયુઆર કોડથી નોંધણી સહિતની વિગતો નોંધાઇ જશે. આ સિસ્ટમ ચાર ચેનલમાં નિર્ધારીત સમયમર્યાદામાં કામનો નિકાલ થાય તે રીતે કામ કરશે. ગ્રીન ચેનલમાં ફરિયાદ નિકાલના દિવસો નિશ્ર્ચિત હશે.
યેલો ચેનલમાં ફરિયાદ કમિશ્નર સુધી જશે. રેડ ચેનલ સુધી કામ પહોંચે તો ગ્રાન્ટની જરૂર હોવાની ચકાસણી કરાશે. તો બ્લેક ચેનલ એટલે કે કામ થઇ શકે તેમ જ હોય તે અહીંથી ડિસ્પોઝ કરવામાં આવશે. એકંદરે નાગરિકને કામ થશે કે નહીં, થાય તો તેની સમયમર્યાદા શું અને ન થાય તેમ હોય તો સ્પષ્ટ ના સાથેનો અભિપ્રાય પારદર્શક રીતે આપવામાં આવશે.
ફરિયાદની વિગત નોંધાય તે સાથે જે તે વિભાગના અધિકારીને વોર્ડ સુધી મેસેજ મોબાઇલમાં પહોંચી જશે. શકય હોય તો વહેલાસર અધિકારીએ મેસેજમાં જ પ્રશ્નનું સ્ટેટસ મૂકી દેવું પડશે. દર મહિને કમિશ્નર સુધી કેટલી ફરિયાદો પહોંચી અને કેટલી નિકાલ થઇ તે કમિશ્નર જાતે પોતાના ડેશબોર્ડ પર લાઇવ જોઇ શકશે. કામ ન થાય અને કમિશ્નરને મળવાનું થાય તેવા કેસમાં પૂરા કામની હકીકત રેકર્ડ સાથે તેમની સ્ક્રીન પર રહેશે. કમિશ્નર હજુ ર6 જાન્યુઆરી આસપાસ નાગરિકો માટે બીજા તબકકાની અને આવતા મહિને ત્રીજા તબકકાની ફરિયાદ નિકાલ વ્યવસ્થા દાખલ કરવાના છે તે ઉલ્લેખનીય છે.
મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ મહાપાલિકાના જુદા-જુદા કામો અને જે-તે સેવાઓ અંગે કચેરીની મુલાકાતે આવતા અરજદારોની રજૂઆત કે ફરિયાદનો વ્યવસ્થિત ઢબે સત્વરે નિકાલ થાય તે માટે આવતીકાલ તા.16ને ગુરૂવારથી Visitor Management System (વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ)નો પ્રારંભ કરવા નિર્ણય લીધો છે.
સામાન્ય રીતે એવું બનતું રહે છે કે, કોઈ અરજદાર કમિશનરની મુલાકાતે આવે અને રજૂઆત કરે ત્યારે જ કમિશનરને જે-તે મુદ્દા વિશે માહિતી મળતી હોય છે. આ પ્રણાલીમાં હવે એવો ફેરફાર થવા જઈ રહ્યો છે કે, અરજદાર વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમમાં પોતાની વિગતોનું રજીસ્ટ્રેશન કરાવે અને કમિશનરને રૂબરૂ મળે એ પહેલા જ કમિશનર પણ જે-તે ઇસ્યુ વિશે અગાઉથી જ વાકેફ થઇ શકશે અને અરજદારને યોગ્ય પ્રત્યુતર આપી શકશે.
વધુમાં કમિશનરએ જણાવ્યું હતું કે, દર સોમવાર અને ગુરુવારે સાંજે 3 થી 5 વાગ્યા દરમ્યાન કમિશનરની મુલાકાતે આવતા અરજદારોએ કમિશનર બ્રાંચમાં શરૂ કરાયેલ વિઝિટર્સ ડેસ્ક ખાતે પોતાના મોબાઈલ નંબર અને ઓળખ કાર્ડ સાથે પોતાની રજૂઆતની વિગતો નોંધાવાની રહેશે. આ નવી પહેલની વિશેષતા એ છે કે, વિઝિટર્સ ડેસ્ક ખાતે નોંધાયેલી વિગતો એ જ સમયે જે-તે સંબંધિત શાખાના અધિકારીને પહોંચી જશે અને અધિકારી તેમાં પોતાના ફીડબેક સબમિટ કરશે.
અરજદાર સાથેની મુલાકાત પહેલા જ કમિશનર આ તમામ વિગતોથી વાકેફ થઇ શકશે અને અરજદાર જયારે રૂબરૂ મળે ત્યારે તેઓને યોગ્ય પ્રત્યુતર આપી શકશે. નાગરિક દ્વારા રજુ થતા પ્રશ્નને અલગ-અલગ પાંચ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવશે અને ફરિયાદના નિકાલ માટેની સમયમર્યાદા પણ નિર્ધારિત કરાવામાં આવશે.
તુષાર સુમેરાએ વધુમાં કહ્યું હતું કે, એકને એક ફરિયાદ કેટલીવાર આવે છે તેનું પણ મોનિટરિંગ થઇ શકશે તેમજ ફરિયાદનું હકારાત્મક કે નકારાત્મક નિરાકરણ ન થાય ત્યાં સુધી તેનું સતત ફોલોઅપ પણ કરવામાં આવશે. તેના આધારે ફરિયાદ નિકાલની કામગીરીમાં વહીવટી સરળતા રહેશે. વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ માટે ડેશબોર્ડ અને એક એપ્લીકેશન પણ બનાવવામાં આવેલ છે. આ નવી પ્રણાલી માટે એક નોડલ અધિકારીની પણ નિયુક્તિ કરવામાં આવશે.
દરમ્યાન વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ અંગે આજે કમિશ્નરના અધ્યક્ષ સ્થાને તમામ શાખા અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં તેમણે તમામ અધિકારીઓને વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ કઈ રીતે કાર્ય કરશે તેના વિશે પ્રેઝેન્ટેશન સાથે વિસ્તૃત માહિતી આપી હતી. આ મીટીંગમાં ડે. કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી અને હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.